બીજા તબક્કાના મતદાન પૂર્વે મહાવિકાસ આઘાડીએ કમર કસી
શિવસેના અને એનસીપીએ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો

મુંબઈ: લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આવતીકાલે કરવામાં આવ્યા પૂર્વ આજે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના અને શરદ પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા ચૂંટણી ઢંઢેરો એટલે કે મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો હતો.
શરદ પવારની એનસીપી દ્વારા બહાર પાડવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં જાતિ આધારિત વસતિ ગણતરી, ખેડૂતોના કલ્યાણ માટે અલાયદા કમિશન, મહિલાઓ માટે નોકરીમાં પચાસ ટકા અનામત જેવા મુદ્દાઓ સામેલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ દરજ્જો આપવાની વાત પણ શરદ પવારની એનસીપીના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરવામાં આવી હતી.
એલપીજી સિલિન્ડરના ભાવ 500 રૂપિયા સુધી રાખી જો જરૂર પડે તો સબસિડી આપવાનો મુદ્દો પણ ચૂંટણી ઢંઢેરામાં છે. પેટ્રોલ અને ડિઝલ ઉપર મૂકવામાં આવેલા ટેક્સમાં ફેરફાર અંગે પણ એનસીપીના ચૂંટણી ઢંઢેરામાં જણાવાયું હતું.
જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના દ્વારા બહાર પાડવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં મહારાષ્ટ્રની લૂંટ બંધ કરાવવાની વાત કહેવામાં આવી છે. આ સિવાય શિવસેનાના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને લોન માફી અને યુવાનોને નોકરી આપવાના મુદ્દા સામેલ કરવામાં આવ્યા છે.
આ સિવાય રાજ્યમાં જિલ્લા ક્ષેત્રે નોકરીની તકો ઊભી કરવી જેથી લોકોએ શહેરોમાં સ્થળાંતર ન કરવું પડે એ વાત પર પણ લક્ષ કેન્દ્રીત કરવાની વાત શિવસેનાના ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવી છે. ખેતીના ઉપકરણો અને બિયારણ પરથી જીએસટી હટાવવો, સ્વામિનાથન કમિટી મુજબ એમએસપી આપવા ઉપરાંત ખેતીના માલના વીમા ઉતારવા જેવા અન્ય મુખ્ય મુદ્દા પણ આ ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરવામાં આવ્યા હતા.