Assembly Election: મહાવિકાસ આઘાડીની એક રણનીતિ, જીતના હૈ

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીમાં લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે ઉપરાંત રાહુલ ગાંધી અને કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા.
આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધી અને ખડગે સાથે બેઠકની વહેંચણી ઉપરાંત વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ વિશે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે. મળેલી માહિતી અનુસાર બેઠકની વહેંચણી ઉમેદવારમાં શું બેઠક પર જીત હાંસલ કરવાની ક્ષમતા છે કે નહીં ફક્ત એ જ પાસું ચકાસીને કરવામાં આવશે.
આ પણ વાંચો : સીટ શેરિંગઃ પશ્ચિમ મહારાષ્ટ્રની બેઠકો પર MVAની ફોર્મ્યુલા તૈયાર
જીતવાની ક્ષમતા ધરાવતા ઉમેદવારને ટિકિટ આપવામાં આવે, તેવી યોજના મહાવિકાસ આઘાડી (એમવીએ)ના ત્રણેય મુખ્ય પક્ષ કૉંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને એનસીપી (શરદ પવાર) દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ સિવાય ત્રણેય પક્ષના જુદા જુદા નહીં, પરંતુ એક જ વૉર રૂમ રાખવામાં આવે, તેવો વિચાર પણ થઇ રહ્યો છે.
મહાવિકાસ આઘાડીના ત્રમેય પક્ષ એક જ એજન્ડા લઇને ચાલી રહ્યા છે અને તેઓ એકજૂથ છે તે જનતાની સમક્ષ દર્શાવવું આવશ્યક હોઇ એક જ વૉર રૂમ તૈયાર કરવામાં આવે, તેવી યોજના છે. આનો ફાયદો પ્રચારમાં જોવા મળી શકે તેવું મહાવિકાસ આઘાડીના નેતૃત્વનું માનવું છે. આુપરાંત પ્રચારસભાઓમાં મહાવિકાસ આઘાડીના બધા જ મહત્ત્વના નેતા એક જ મંચ પર જોવા મળે તે જરૂરી હોવાની ચર્ચા પણ કરવામાં આવી હતી.
આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જો મેં મુખ્ય પ્રધાન તરીકે સારી કામગીરી કરી હોવાનું મહાવિકાસ આઘાડીના પક્ષોને જણાતું હશે તો મને મુખ્ય પ્રધાન બનાવવાની તેમની ઇચ્છા છે કે શું એ તેમને જ પૂછવું. મને જે પદની જવાબદારી સોંપાઇ તે સ્વીકારી મેં ઉત્તમ કામગીરી કરવાનો પ્રયત્ન કર્યો છે.
બાંગ્લાદેશની સ્થિતિ વિશે વાત કરતા ઉદ્ધવે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે તે આખી દુનિયાને ખબર પડવી જોઇએ. બાંગ્લાદેશના હિંદુઓ પર અત્યાચાર થઇ રહ્યા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે તેમને બચાવવા જોઇએ.



