આમચી મુંબઈમહારાષ્ટ્રવિજ્ઞાન અને ટેકનોલોજી

Election: મહારાષ્ટ્રમાં ‘જાતિવાદી’ ગણિત કામ કરશે કે નહીં, જાણો હકીકત?

દરેક પક્ષના નેતાઓ પોતપોતાના જાતિ-ધર્મના મસિહા બન્યા એ દેશની કમનસીબી

મુંબઈઃ આઝાદીના 75 વર્ષ પછી પણ દેશમાં ચૂંટણીઓમાં ‘જાતિવાદ’ મહત્વનો સાબિત થાય છે, તે ખૂબ જ દુઃખ અને નિરાશાજનક વાત છે. જાતિ અને ધર્મથી પર જઈ મતદાર માત્ર યોગ્ય ઉમેદવાર અને પક્ષની પસંદગી કરે તે દિવસો ઘણા દૂર લાગે છે. દરેક પક્ષ પોતાની રીતે જાતિ કે ધર્મના ચોકઠા બેસાડે છે અને તે પ્રમાણે ઉમેદવારોને ટિકિટ આપી મતદારો પાસે મત માગે છે. દરેક પક્ષના નેતાઓ પણ પોતપોતાના જાતિ-ધર્મના મસિહા થઈને બેઠા છે. વર્ષોથી પોતાની જાતિના નેતાને ચૂંટતા આવતા મતદારોનું કંઈ ભલુ થતું ન હોવા છતાં ફરી પંચ વર્ષે પોતાના સમાજનો જ ઉમેદવાર જ યોગ્ય છે, તેવી મતદારોની માનસિકતાનો ભરપૂર ફાયદો ઉઠાવવામાં આવે છે, જે લોકશાહી માટે કલંકસમાન બાબત છે.

આ પણ વાંચો : Assembly Election: અભિનેત્રી કંગનાએ નાગપુરમાં કર્યો પ્રચાર, રોડ શોમાં લીધો ભાગ

જ્ઞાતિ યા સમાજનું વલણ જાણવું જરુરી

મહારાષ્ટ્ર જેવા પ્રગતિશીલ રાજ્યમાં પણ કમનસીબે આ સ્થિતિ છે ત્યારે અહીં પણ જ્ઞાતિનું ગણિત રાજકીય પક્ષની હાર કે જીતમાં મહત્વનો ભાગ ભજવે છે. આથી કઈ જ્ઞાતિ યા સમાજનું વલણ ક્યા રાજકીય પક્ષ તરફ છે તે જાણવું જરૂરી બની જાય છે. રાજ્યમાં કૉંગ્રેસ ભાજપ ઉપરાંત, શિવસેના અને એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના બે-બે જૂથ એમ મુખ્ય છ પક્ષ અને એઆઈએમઆઈએમ (AIMIM) સાથે સાત પક્ષ છે, જે ધર્મ અને જાતિના મતોને વિભાજિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

મરાઠા સમુદાયનો 30 ટકા મત

મહારાષ્ટ્રનો સૌથી મોટો અને વગદાર સમુદાય છે. મરાઠા જાતિ પર રાજ્યનું ઘણુખરું રાજકારણ નભે છે. મહારાષ્ટ્રમાં 30 ટકા આસપાસ મરાઠા મત છે. લોકસભાની ચૂંટણીમાં આ વર્ગ લગભગ ભાજપ વિરુદ્ધ હતો અને મરાઠા આરક્ષણ માટે આંદોલન કરનારા જરાંગે પાટીલને લીધે તેમના મતનો ફાયદો મહાવિકાસ આઘાડી (MVA)ને મળ્યો હતો, પરંતુ વિધાનસભામાં ચિત્ર અલગ હશે તેમ રાજકીય વિશ્લેષકોનું કહેવાનું છે. એક તો જરાંગે પાટીલના યુ-ટર્નને કારણે તેમનો પ્રભાવ ઓછો થયો છે અને ભાજપ સહિતના મહાયુતિના પક્ષોએ મરાઠા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. તેમ છતાં આ પક્ષ કૉંગ્રેસ-એનસીપી તરફ વધુ ઢળેલો માનવામાં આવે છે અને તેમના મત હાર કે જીતમાં મહત્વના સાબિત થઈ શકે તેમ છે.

મરાઠા કરતા ઑબીસીનો મત વધુ

રાજ્યમાં મરાઠા કરતા વધુ ટકાવરી ધરાવતા ઓબીસીનું જાતિવાદી સમીકરણ પણ કંઈક મજબૂત છે. અધર બેકવર્ડ ક્લાસ (ઓબીસી) મત કોઈ પણ રાજ્યના રાજકારણમાં મહત્વના છે. મહારાષ્ટ્રમાં 38 ટકા જેટલા ઓબીસી મત છે, જેમાં વિવિધ પ્રાતની વિવિધ નાની મોટી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્ર તેમ જ મુંબઈ અને થાણેમાં પણ ઓબીસી મતનું પ્રમાણ ઘણું છે. કૉંગ્રેસના અધ્યક્ષ નાના પાટોલે આ સમાજમાંથી આવે છે તો મહાયુતી પાસે ઓબીસી નેતા છગન ભુજબળ છે. તમામ પક્ષો આ સમાજને પોતાની તરફ ખેંચવા એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરે છે. આરક્ષણ ઘટાડવાની અને વધારવાની તેમ જ જાતિ ગણતરી કરવાની ચૂંટણી પ્રચાર સમયની વાતો મતદાનમાં કેવો ફરક લાવે છે, તે ધ્યાનમાં લઈએ તો ખૂબ જ મહત્વનો આ વર્ગ બાજી બગાડી કે બનાવી શકે છે.

આદિવાસી સમુદાય કોના તરફી હોવાનું કળવાનું મુશ્કેલ

મહારષ્ટ્રમાં લગભગ 9 ટકા આસપાસ આદિવાસી મતદાર છે. આ મતદારો આ તો કૉંગ્રેસના સમર્થકો માનવામાં આવે છે, પરંતુ ભાજપે પણ વિવિધ યોજનાઓ દ્વારા આદિવાસી સમાજને પોતાની તરફ કરવાનો પ્રયત્ન કર્યો છે. આરએસએસ પણ આદિવાસી સમુદાય સાથે કામ કરી રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારોમાં પણ ભાજપને મત મળ્યા અને બેઠકો પર વિજય પણ મળ્યો છે. આથી આ સમુદાય એક જ પક્ષ તરફ ઢળશે તેમ કહેવું યોગ્ય નથી.

રાજ્યમાં અનુસૂચિત જાતિની ટકાવારી છે 12 ટકા

મહારાષ્ટ્રમાં અનુસૂચિત જાતિની ટકાવારી લગભગ 12 ટકા છે. મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં મહાર સમાજ છે, જે મહાવિકાસ આઘાડી તરફ હોવાનું કહેવાય છે. રાજ્યમાં મોટી સંખ્યામાં મહારએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે અને તેઓ ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સિવાયના અન્ય પક્ષો સાથે જોડાતા રહ્યા છે. આરક્ષણ અને બંધારણમાં સુધારા વગેરેના મુદ્દા તેમના મતને અસર કરે છે.

જોકે બીજી બાજુ મંગ, માતંગ, ચંભર જેવા બિન-મહાર અનુસૂચિત જાતિ સમુદાયો કે જેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો નથી, તેઓ ભાજપના મતદાર હોવાનું કહેવાય છે. આ સાથે કેન્દ્ર કે રાજ્યની અમુક યોજનાઓના લાભાર્થીઓ પણ મહાયુતી તરફ ઝૂકે તેવી સંભાવના છે. સરવાળે આ સમુદાયનું મતદાન વિભાજીત રહે તેવી પૂરી સંભાવના છે.

12 ટકા મુસ્લિમ મતદારો મહત્ત્વનો ભાગ ભજવી શકે

રાજ્યમાં ‘વૉટ જેહાદ’, ‘કટેંગે તો બટેંગે’ જેવા નારા બાદ ભાજપ અને મહાયુતિના પક્ષો મુસ્લિમ મતોની અપેક્ષા રાખે તે યોગ્ય ન કહેવાય. મુસ્લિમ સમાજનો એક શિક્ષિત વર્ગ જે વિકાસ અને નવા વિચારોથી પ્રેરાઈને ભાજપ તરફ વળ્યો પણ હશે તો તે પણ એકવાર વિચાર કરશે, તમ નિષ્ણાતોનું માનવાનું છે. મહારાષ્ટ્રમાં લગભગ 12 ટકા આસપાસ મુસ્લિમ મતો છે અને લોકસભાની ચૂંટણીમાં તેમણે મહાવિકાસ આઘાડીને મત આપ્યાનું કહેવાય છે. મુંબઈમાં પણ મુસ્લિમ મતો મોટી સંખ્યામાં છે અને બે કે ત્રણ બેઠક પર તે નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે.

આ પણ વાંચો : Assembly Election: આચારસંહિતાની ઐસીતૈસી, 6,382 ફરિયાદ

બીજી તરફ ઔવેસીના પક્ષ એઆઈએમઆઈએમના માત્ર 16 જ ઉમેદવાર ચૂંટણી જંગ લડી રહ્યા છે, જે ગત ચૂંટમીમાં 44 હતા. આથી મુસ્લિમ મત વિભાજન પ્રમાણમાં ઓછું થશે, તેમ માનવામાં આવે છે. જોકે તેમ છતાં દરેક પક્ષે મુસ્લિમ ઉમેદવારોને પ્રમાણમાં ઓછી તક આપી છે ત્યારે મુસ્લિમ મતદારો સ્થાનિક સ્તરે નિર્ણય લેશે અને મતદાન કરશે, તેમ માનવામાં આવે છે. સરવાળે અન્ય પાસાં સાથે જ્ઞાતિનું ગણિત પક્ષોએ બરાબર માંડ્યું હશે તો દાખલો સાચો પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker