મહારાષ્ટ્રમાં લીલા દુકાળની જાહેરાત થવાની કેબિનેટમાં માગણીઃ હજુ પણ ભારે વરસાદની આગાહી

મુંબઈઃ મરાઠવાડા સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદને લીધે અતિવૃષ્ટિ થઈ રહી છે અને ખેડૂતોને થયેલા પારાવાર નુકસાનને ધ્યાનમાં રાખી લીલો દુકાળ જાહેર કરવાની માગણી થઈ રહી છે.
આજે કેબિનેટની બેઠકમાં તમામ પ્રધાનોએ આ માગણી એકસૂરમાં માગણી થવાની શક્યતા છે. જોકે કેબિનેટ બેઠક પહેલા જ કૃષિ પ્રધાન દત્તા ભરણેએ સરકાર ટૂંક સમયમાં લીલો દુકાળ જાહેર કરશે, તેવા સંકેતો પણ આપ્યા છે.
છેલ્લા ત્રણ મહિનામાં મહારાષ્ટ્રના મરાઠવાડા, વિદર્ભ સહિતના વિસ્તારોમાં અમુક સમયના અંતરે ભારે વરસાદ પડ્યો છે. હાલમાં પણ મરાઠવાડા બેહાલ છે અને પૂર જેવી સ્થિતિ છે. ખેડૂતોને મોટું નુકસાન થયું છે. એક અંદાજ પ્રમાણે 70,000 એકરમાં થયેલા પાકને નુકસાન થયું છે.
લગભગ 30 જેટલા જિલ્લામાં વરસાદે વિનાશ વેર્યો છે. પાક સહિત જાનવરોના પણ મોટા પ્રમાણમાં મોત થયા છે. સરકાર પંચનામા કરી રહી છે અને ખેડૂતો માટે મદદ જાહેર કરશે, તેમ ભરણેએ જણાવ્યું છે. આ સાથે કેબિનેટ સામે સમગ્ર સ્થિતિનો અહેવાલ આજે રજૂ કરવામાં આવશે અને તેઓ યોગ્ય નિર્ણય લેશે.
મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને મદદ પહોંચી રહે તે છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. દરમિયાન કૉંગ્રેસના નેતા વિજય વડ્ડેટીવારે પણ સરકારને લીલો દુકાળ જાહેર કરી ખેડૂતોની મદદ કરવા કહ્યું છે. જ્યારે એનસીપી (શરદચંદ્ર પવાર)ના નેતા રોહિત પવારે હિન્દુઓ નહીં પણ ખેડૂતો ખતરામાં છે, તેવો ટોણો મારી ખેડૂતોની મદદ કરવાની માગણી કરી હતી.
હજુ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં આજે પણ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આ સાથે આવનારા બે ત્રણ દિવસોમાં રાજ્યના 29 જેટલા જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના જિલ્લાઓનો સમાવેશ થાય છે. આવનારા દિવોસમાં કોંકણ અને રાયગઢમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે, આથી નવરાત્રી સમયે મુંબઈમાં પણ ઝાંપટા પડી શકે છે.