મહાબળેશ્વર કરતા પણ ઠંડુગાર થયું પુણે
પુણેઃ મોડે મોડે પણ રાજ્યમાં ઠંડીએ પધરામણી કરી છે અને લોકોને શિયાળાનો અનુભવ કરાવ્યો છે. છેલ્લા બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે ઉત્તર મહારાષ્ટ્ર અને પુણે સહિત સમગ્ર રાજ્યમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આગામી પાંચ દિવસ ન્યૂનતમ તાપમાનમાં હજુ વધુ ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પુણેમાં આજે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું, જેને કારણે પુણેવાસીઓ ઠંડીમાં ઠરી ગયા હતા. પુણેનું તાપમાન મહાબળેશ્વર કરતા પણ ઠંડુ નોંધાયું છે.
સામાન્ય રીતે લોકો ઠંડીની મજા લેવા માટે મહાબળેશ્વર જેવા પર્યટન સ્થળે જતા હોય છે, પણ પુણેનું તાપમાન જ મહાબળેશ્વરથી વધારે ઠંડુ થઇ જવાથી પુણેવાસીઓએ ક્યાંય જવાની જરૂર જ નથી. તેઓ ઘરમાં બેસીને જ ઠંડી હવાની મજા માણી શકે છે.
આ પણ વાંચો લગ્નનાં ત્રીસ વર્ષ પૂરાં કરવાની એ.આર. રહમાનની ઇચ્છા ન થઈ પૂરી: ૨૯ વર્ષ બાદ લીધા ડિવોર્સ
એક નિવૃત હવામાનશાસ્ત્રીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન 23 નવેમ્બરથી થોડા દિવસો સુધી ધીમે ધીમે વધવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં 23 નવેમ્બરથી પવનની દિશા બદલાશે. બંગાળની દક્ષિણ-પૂર્વની ખાડી પર નીચા દબાણના વિસ્તારની રચના અને તેની સંભવિત હિલચાલને કારણે, આગામી 3-4 દિવસ માટે 28 નવેમ્બર બપોર/સાંજથી મહારાષ્ટ્રના દક્ષિણ/મધ્ય ભાગો (પુણે સહિત) પર હળવા વરસાદની શક્યતા છે.
જોકે, પુણે જ નહીં દેશના મોટાભાગના સ્થળોએ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો અને ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.