કચરાના વ્યવસ્થાપન સમસ્યાઓના ઉકેલ માટે સમર્પિત સેલ સ્થાપશે: શિંદે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન અને કાઉન્સિલો દ્વારા સામનો કરવામાં આવતા વેસ્ટ મેનેજમેન્ટ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક ડેડીકેટેડ સેલની સ્થાપના કરવામાં આવશે એવું, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે જણાવ્યું હતું.
વિધાનસભામાં પ્રશ્ર્નકાળ દરમ્યાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે સરકાર પડાકારોનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે. ખાસ કરીને નાની મ્યુનિસિપલ કૉર્પોરેશન પર ખાસ ધ્યાન આપવામાં આવશે. શિંદેએ સોલાપુરનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે સોલાપુર બાયોએનર્જી કંપની લિમિટેડ દ્વારા સાયન્ટીફિક પદ્ધતિએ કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં ૩૦૦ ટન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતો બાયોગૅસ પ્લાન્ટ કાર્યરત છે, જે ભીના કચરાને બાયોગૅસ અને ખાતરમાં રૂપાંતરિત કરે છે. સૂકા કચરો અલગ કરીને તેને પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીમાં મોકલવામાં આવે છે.
કચરાને યોગ્ય રીતે અલગ કરવા પર ભાર મૂકતા નાયબ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે નાની પાલિકા અને કાઉન્સિલોને મદદ કરવા માટે શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવને પહેલાથી સૂચના આપી દેવામાં આવી છે. રાજ્ય સરકાર જયાં જરૂર પડશે ત્યાં આવશ્યક સહાય પૂરી પાડશે.