થાણેવાસીઓ માટે ટોલમાફીની શક્યતા: MH. 04 ના વાહનો ગણવા માટે ટોલનાકા પર ખાસ વ્યવસ્થા
મુંબઇ: થાણેના નાના વાહનો માટે ટોલમૂક્તીની માંગણીનો સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે. મુંબઇના પ્રવેશ દ્વાર પર આવેલ ટોલનાકામાંથી એમ.એચ. 04 નંબરના કેટલાં વાહનોની અવર-જવર થાય છે તેના આંકડા રજૂ કરવાનો આદેશ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યો છે. તેથી આગામી 15 દિવસ આ ટોલનાકા પર થાણે પાસીંગની ગાડીઓની ગણતરી માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે.
થાણેના નાના વાહનોનો મુંબઇમાં પ્રવેશ કરતી વખતે ટોલ માફ કરવામાં આવે આની સાથે ટોલ સંદર્ભે અનેક માંગણીઓ મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ કરી છે. આ માટે મનસે દ્વારા આંદોલન શરુ કરવામાં આવ્યું છે. આ સંદર્ભે ગુરુવારે રાજ ઠાકરેએ પદાધિકારીઓ સહિત સહ્યાદ્રી અતિથિગૃહમાં મુખ્ય પ્રધાનની મુલાકાત લીધી હતી. થાણે અને આસપાસના વિસ્તારમાંથી અનેક લોકોને રોજ કામ માટે મુંબઇ આવવાનું થતું હોય છે.
ટોલનાટા પર ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરીને પણ દર ત્રણ વર્ષે વધેલી ટોલની કિંમત પણ ચૂકવવી પડે છે. એમ રાજ ઠાકરેએ જણાવ્યું હતું. ઉપરાંત કોન્ટ્રાક્ટરો સાથે થયેલ કરાર નામામાં આ અંગેનો કોઇ ઉલ્લેખ નથી તેમ રસ્તા વિકાસ મહામંડળ દ્વારા કહેવામાં આવ્યું છે.
ત્યારે આ વાત સાથે સંમત થઇને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઇના પ્રવેશ દ્વાર પર આવેલ પાંચે ટોલનાકા પર આગામી 15 દિવસ સુધી થાણેમાંથી આવનારા અને જનારા વાહનોના આંકડા મેળવવાની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે. આ વિષય માટે મુખ્ય પ્રધાન સકારાત્મક છે તેવી જાણકારી રાજ ઠાકરેએ મિટીંગ બાદ આપી હતી. વિધાનસભ્ય હતાં ત્યારે ટોલ મુદ્દે કોર્ટમાં જનારા એકનાથ શિંદે હવે ટોલ બાબતે શું નિર્ણય લેશે એ જોવા યોગ્ય છે.