આનંદોઃ મહારાષ્ટ્રને એક નહીં, બે વંદે ભારત સ્લીપર ટ્રેનની ભેટ મળી શકે…

મુંબઈઃ મહારાષ્ટ્રને ટૂંક સમયમાં બે નવી વંદે ભારત સ્લીપર ટ્રેન મળે એવી શક્યતા છે. નાગપુરથી પુણે અને મુંબઈને જોડતી ‘સેમી-હાઈ-સ્પીડ’ સુપરફાસ્ટ ટ્રેન શરૂ થઈ શકે છે. આ ટ્રેનો મહારાષ્ટ્રમાં રેલ યાત્રામાં મોટો ફેરફાર લાવશે. મધ્ય રેલવેના નાગપુર બોર્ડે રેલવે બોર્ડને પ્રસ્તાવ મોકલ્યો છે. રેલવે બોર્ડ હાલમાં પ્રસ્તાવનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને તેનો ઉદ્દેશ્ય મુસાફરો માટે સુવિધા વધારવા અને આ વધુ ડિમાન્ડવાળા કોરિડોરમાં કનેક્ટિવિટી સુધારવાનો છે.
Also read : મુંબઈની આર્થિક વિકાસ યોજના માટે MMRDA નો માસ્ટર પ્લાન તૈયાર…
હાલમાં, મેલ ટ્રેન મારફત મુંબઈથી નાગપુર અને નાગપુરથી મુંબઈ અવરજવર કરવામાં લગભગ ૧૬ કલાકનો સમય લાગે છે, જ્યારે સુપરફાસ્ટ ટ્રેન બારથી 13 કલાક આ અંતર પૂરું કરે છે. જોકે, દુરંતો એક્સપ્રેસ થોડો ઓછો સમય લે છે, તે આશરે 12 કલાક લે છે, પરંતુ વંદે ભારત સ્લીપર ટ્રેન મારફત લગભગ દસ કલાકનો સમય લઈ શકે છે. વંદે ભારતથી નાગપુર-પુણેની મુસાફરીનો સમય ઘટીને માત્ર ત્રણ કલાક થઈ શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
નાગપુર-પુણે રૂટ પર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ગરીબ રથ એક્સપ્રેસ, બંને અઠવાડિયામાં ત્રણ વખત ચાલે છે. હમસફર એક્સપ્રેસ અઠવાડિયામાં એકવાર ચાલે છે. વધુમાં, આઝાદ હિંદ એક્સપ્રેસ અને હટિયા-પુણે સુપરફાસ્ટ એક્સપ્રેસ આ રૂટ પર ચલાવવામાં આવે છે. જોકે, સીઝન દરમિયાન મુસાફરોની ઊંચી માંગને પહોંચી વળવા આ સેવાઓ પણ ઓછી પડે છે.
એ જ રીતે, નાગપુર-મુંબઈ રૂટ પર મુસાફરો માટે ખુબ ઓછા વિકલ્પો, વિદર્ભ એક્સપ્રેસ (ગોંદિયા-મુંબઈ રૂટ પર દોડતી) અને સેવાગ્રામ એક્સપ્રેસ (નાગપુર-મુંબઈ રૂટ પર દોડતી) છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, નાગપુર-પુણે અને નાગપુર-મુંબઈ રૂટ પર ટ્રેનોની ક્ષમતા કરતા પેસેન્જરોની સંખ્યામાં ખુબ વધારો થયો છે, જેના કારણે ઘણા મુસાફરોને રોડ ટ્રાન્સપોર્ટ પર આધાર રાખવો છે.
વંદે ભારત સ્લીપર ટ્રેનો મુસાફરીનો ઓછો સમય, અદ્યતન સલામતીનાં પગલાં અને કાર્યક્ષમતા સાથે વધુ સારો વિકલ્પ આપે છે. તેની અત્યાધુનિક ટેક્નોલોજી માટે જાણીતી, વંદે ભારત ટ્રેનો મુસાફરોના આરામ અને વિશ્વસનીયતાને પ્રાથમિકતા આપે છે. આ ટ્રેનોનું લોકાર્પણ મહારાષ્ટ્રના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે, જે મુસાફરોને મુસાફરીનો ઝડપી, સુરક્ષિત અને વધુ અનુકૂળ વિકલ્પ પ્રદાન કરે છે.
Also read : મુંબઈગરા માટે ખુશખબર, આવી રહી છે નવી ડિઝાઈનની ટ્રેન અને સર્વિસ પણ વધશે
નાગપુર-પુણે અને નાગપુર-મુંબઈ રૂટ પર મુસાફરોની સંખ્યામાં વધારો થવાનું એક કારણ બિઝનેસ સંબંધિત મુસાફરી છે. દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની તાજેતરની મુલાકાતથી પ્રદેશમાં વ્યાપારી પ્રવૃત્તિઓને વધુ વેગ મળવાની અપેક્ષા છે, તેથી આ રૂટ પર પણ મુસાફરોની સંખ્યામાં વધારો થઈ શકે છે.