OMG! માતૃભાષા મરાઠીમાં 38000+ વિદ્યાર્થીઓ નાપાસ! અંગ્રેજીનું પરિણામ સારું આવ્યું છે
મુંબઇઃ મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો દ્વારા લેવામાં આવેલી 10મા ધોરણની પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 10નું 95.81 ટકા પરિણામ આવ્યું છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ધોરણ 10ના પરિણામમાં 1.98 ટકાનો વધારો થયો છે, પણ સાથે સાથે આ પરિણામના વિશ્લેષણમાંથી ચોંકાવનારી માહિતી જાણવા મળી છે કે મહારાષ્ટ્રની રાજ્ય ભાષા મરાઠીમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા અંગ્રેજીમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ છે. સામાન્ય ભાષામાં કહીએ તો રાજ્યના 10મા ધોરણના વિદ્યાર્થીઓને અંગ્રેજી કરતાં મરાઠી વધુ અઘરું લાગે છે.
હજારો વિદ્યાર્થીઓ માતૃભાષા વિષયમાં નાપાસ થયા છે એ મોટા આશ્ચર્યની વાત છે. જ્યારે દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણ પર વધુ ભાર આપવાની નીતિનો અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ બાબત આંખે ઉડીને વળગે છે કે રાજ્યના વિદ્યાર્થીઓ મરાઠી વિષયમાં જ નાપાસ થઇ રહ્યા છે.
આંકડાવાર વાત કરીએ તો રાજ્યમાં મરાઠી વિષયની પરીક્ષામાં કુલ 10 લાખ 94 હજાર 152 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 10,55,715 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે મહારાષ્ટ્રમાં મરાઠીમાં 38,437 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. મુંબઈ વિભાગમાં મરાઠી વિષયની પરીક્ષા આપનારા ઉમેદવારોની સંખ્યા 1,06,256 હતી. પરંતુ 1,05,322 લોકોએ જ પરીક્ષા આપી હતી. તેમાંથી 1,00,652 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે મુંબઈ વિભાગમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 4,670 છે.
આ પણ વાંચો :વડોદરાની MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓનો ક્વોટા ઘટાડવાનો મુદ્દો વકર્યો
હવે આપણે અંગ્રેજી ભાષા પર નજર નાખીએ તો અંગ્રેજી વિષયનું 98.12 ટકા પરિણામ આવ્યું છે. અંગ્રેજીને પ્રથમ ભાષા લઇને પરીક્ષા આપનારા 3,59,229 વિદ્યાર્થીઓ હતા. તેમાંથી 3,52,491 પાસ થયા છે. અંગ્રેજીમાં નાપાસ થનારાઓની સંખ્યા 6,738 છે. મરાઠીમાં નાપાસ થનારાઓની સરખામણીમાં આ સંખ્યા ઘણી ઓછી છે.
હિન્દીને પ્રથમ ભાષા તરીકે લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા 39,110 છે. હિન્દીનું પરિણામ 93.91 ટકા આવ્યું છે. હિન્દીમાં 36,729 વિદ્યાર્થીઓ પાસ થયા અને 2,381 વિદ્યાર્થીઓ હિન્દીની પરીક્ષામાં નાપાસ થયા છે.