આ દિવસે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થશે,
મુંબઈ: ‘મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી અંગે રાજકીય પક્ષો અને લોકોમાં ભારે ઉત્તેજના છે. ચૂંટણી પંચ પણ ‘મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીમાં લાગેલું છે. હવે સૂત્રોએ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત 13 ઓક્ટોબર પછી થવાની શક્યતા છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે 26 નવેમ્બર પહેલા મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.
હાલમાં હરિયાણા-જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કાર્યક્રમ ચાલી રહ્યા છે, જેના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થવાના છે. 10 ઓક્ટોબર સુધીમાં હરિયાણા-જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પંચનું કામ પૂરું થઇ જશે. નિયમ પ્રમાણે એક ચૂંટણી કાર્યક્રમની જાહેરાત અન્ય ચૂંટણી કાર્યક્રમના અંત પહેલા કરી શકાતી નથી. ચૂંટણી પંચે પણ તૈયારીઓ કરવાની હોય છે. 13 ઑક્ટોબરે રવિવાર છે, તેથી 14મીથી શરૂ થતા ઑક્ટોબરના ત્રીજા અઠવાડિયામાં ચૂંટણીની તારીખ અને આચાર સંહિતાની જાહેરાત થઇ શકે છે.
નિયમાનુસાર મહારાષ્ટ્રમાં નવી વિધાનસભા 26 નવેમ્બર 2024ના રોજ અસ્તિત્વમાં આવશે. આચારસંહિતા લાગુ થયાના અંદાજે 45 દિવસ બાદ નવી વિધાનસભા બનશે. ચૂંટણી પંચ નવેમ્બરના બીજા સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી યોજવાનું નક્કી કરે તો ઓક્ટોબરના બીજા પખવાડિયામાં આચારસંહિતા જારી થાય તેમ છે.
ચૂંટણીની આચાર સંહિતાનો અમલ શરૂ થાય તે પહેલા સરકારી સ્તરે વહીવટી કામગીરીમાં ઝડપ આવી છે. કામ તેજ ગતિએ ચાલી રહ્યા છે. વી દરખાસ્તો અને ફાઈલોની મંજૂરી ફટાફટ થઇ રહી છે. કેબિનેટની બેઠકમાં ફટાફટ સરકારી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. રોજના સેંકડો નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આચારસંહિતા પહેલા ટેન્ડર મેળવવા માટે લાગતાવળગતા લોકોએ પ્રયાસો શરૂ કરી દીધા છે. લોકસેવકોને ફંડ મળે એવા નિર્ણયો તેજ ગતિએ લેવામાં આવી રહ્યા છે.
લોકસભા ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીને સારી સફળતા મળી હતી. તેથી વિધાન સભાની ચૂંટણી માટે પણ તેઓ જોશમાં છે. મહાયુતિ પણ તેમની લાડકી બહેન જેવી યોજનાઓ થકી ચૂંટણી જીતવાની ઉમ્મીદ કરી રહી છે.