આજે જાહેર થવાની હતી શિવસેના (UTB)ની પ્રથમ ઉમેદવારોની યાદી પરંતુ… આ ત્રણ બેઠકો પર કોકડું ગૂંચવાયું
મુંબઈ: શિવસેના (UTB) નેતા સંજય રાઉતે (Sanjay Raut) સોમવારે જાહેરાત કરી હતી કે આજે પાર્ટી આગામી Loksabha Election 2024 માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. તેમણે કહ્યું હતું કે પાર્ટીના મુખપત્ર સામનામાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે પરંતુ આજે કોઈનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
સૂત્રોનું માનીએ તો MVAમાં ત્રણ બેઠકો પર દ્વિધા છે. જેમાં સાંગલી, દક્ષિણ મધ્ય મુંબઈ અને ભિવંડી બેઠકોનો સમાવેશ થાય છે. શિવસેના, યુબીટી અને કોંગ્રેસ બંને સાંગલી પર પોતાનો દાવો છોડવા માંગતા નથી. ઉદ્ધવ ઠાકરેએ આ બેઠક પરથી ચંદ્રહર પાટીલના નામની પણ જાહેરાત કરી છે. જ્યારે કોંગ્રેસ આ બેઠક પરથી વિશાલ પાટીલને મેદાનમાં ઉતારવા માંગે છે. ભાજપે ફરી પોતાના વર્તમાન સાંસદ સંજય કાકા પાટીલને ઉમેદવાર બનાવ્યા છે. સંજય કાકા છેલ્લા બે વખત ત્યાંથી સાંસદ છે.
બીજી તરફ, ઉદ્ધવ ઠાકરે અનિલ દેસાઈને દક્ષિણ મધ્ય મુંબઈથી ચૂંટણી લડાવવા માંગે છે, જ્યારે કોંગ્રેસે પણ આ બેઠકની માંગણી કરી છે. હાલમાં શિવસેનાના રાહુલ શેવાળે એકનાથ શિંદે અહીંથી સાંસદ છે. આ સિવાય કોંગ્રેસ ભિવંડીની ત્રીજી બેઠક પરથી દયાનંદ ચોરગેને મેદાનમાં ઉતારવા માંગે છે જ્યારે NCP શરદ પવાર જૂથ આ બેઠક પરથી સુરેત્રા મ્હાત્રેને ટિકિટ આપવા માંગે છે.
સંજય રાઉતે કહ્યું હતું કે શિવસેના, મહા વિકાસ અઘાડીના ઘટક અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં 16 નામોની યાદી જાહેર કરશે. રાજ્યસભાના સાંસદે પત્રકારોને કહ્યું હતું કે “અમે આવતીકાલે અમારી પ્રથમ યાદી જાહેર કરીશું. આ યાદીમાં 15-16 બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.”
ત્યારે, પાર્ટીના નેતા અને લોકસભા સાંસદ રાહુલ શેવાળેએ કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના એક-બે દિવસમાં તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. અત્યાર સુધી, શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સંકેત આપ્યો છે કે અમોલ કિરીટકર (મુંબઈ ઉત્તર-પશ્ચિમ), ચંદ્રહર પાટીલ (સાંગલી) અને અનંત ગેટે (રાયગઢ) આ ત્રણ લોકસભા બેઠકો પરથી પક્ષના ઉમેદવાર હશે. MVA ના અન્ય ઘટક, NCP (શરદચંદ્ર પવાર), એ એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં હજુ સુધી તેના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી નથી.
બીજી તરફ, કોંગ્રેસ પણ મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષોના જૂથનો એક ભાગ છે. કોંગ્રેસે હાલમાં મહારાષ્ટ્રની કેટલીક બેઠકો પર તેના ઉમેદવારોની જાહેરાત કરી છે, જ્યાં તેના ગઠબંધન ભાગીદારો સાથે કોઈ તકરાર નથી. તમને જણાવી દઈએ કે MVA પણ ઈન્ડિયા એલાયન્સનો સભ્ય છે પરંતુ તેણે હજુ સુધી તેની સીટ શેરિંગને ફાઈનલ કરી નથી. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો છે, જે ઉત્તર પ્રદેશમાં 80 બેઠકો પછી સૌથી વધુ છે.