અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અલગ કમિશન બનશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) સમુદાયો માટે અલગ અલગ કમિશન સ્થાપવા માટે મંગળવારે મહારાષ્ટ્રના સામાજિક ન્યાય પ્રધાન સંજય શિરસાટે વિધાન પરિષદમાં બે બિલ રજૂ કર્યા હતા. કેન્દ્ર સરકારના ધોરણને અનુસરીને મહારાષ્ટ્ર કેબિનેટે ગયા મહિને બંને સમુદાયો માટે અલગ કમિશનની સ્થાપના કરવા માટે મંજૂરી આપી હતી.
ગયા મહિને મુખ્ય પ્રધાનની ઓફિસ દ્વારા એક નિવેદન બહાર પાડી જણાવવામાં આવ્યું હતુ કે કેન્દ્રમાં એસસી અને એસટી સમુદાય માટે બે અલગ કમિશન છે. બંને કમિશન જુદા જુદા મુદ્દાઓ પર કામ કરે છે તે મુજબ રાજ્યમાં બંને કમિશન સ્વતંત્ર રીતે કામ કરે તે આવશ્યક છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે અમરાવતીના સાંસદ નવનીત રાણાના અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર સાચુ માન્યું
૫૧મી ટ્રાઈબલ એડવાઈઝરી કમિટીએ રાજ્યમાં આદિવાસી સમુદાયઓ માટે એક અલગ અને સ્વતંત્ર કમિશનની સ્થાપના કરવાની ભલામણ કરી હતી. શેડ્યુલ ટ્રાઈબ માટે મહારાષ્ટ્ર રાજ્ય કમિશનની સ્થાપના માટેના ડ્રાફ્ટ બિલમાં જણાવાયું છે કમિશનના અધ્યક્ષ એસટી સમુદાયના જ રહેશે. કમિટીના એક સભ્ય કાયદાકીય બેકગ્રાઉન્ડ ધરાવતા કોર્ટના રિટાયર્ડ જજ અથવા વકીલ હોઈ શકે છે. એક અધિકારી જોઈન્ટ સેક્રેટરી કક્ષાનો અથવા રાજ્ય અથવા કેન્દ્ર સરકારનો રિટાયર્ડ અધિકારી સભ્ય હોવો જોઈએ. એક સભ્ય સામાજિક કાર્યનું બેકગ્રાઉન્ડ ધરાવતો હોવો આવશ્યક રહેશે, જ્યારે બીજો ભૂતપૂર્વ આઈપીએસ ઓફિસર હોવો આવશ્યક રહેશે, જેમને સામાજિક ન્યાય સંબંધિત કેસને સંભાળવાનો અનુભવ હશે. ચાર સભ્યોમાંથી એક સભ્ય મહિલા હશે. આ સભ્યોનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે.