આમચી મુંબઈ

શિવાજી મહારાજના કિલ્લાઓ માટે ‘યુનેસ્કો હેરિટેજ ટેગ’ આપવા મહારાષ્ટ્રનું પ્રતિનિધિમંડળ પેરિસ પહોંચ્યું…

મુંબઈઃ મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના ૧૨ કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મેળવવા માટે મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલારની આગેવાની હેઠળ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પેરિસ પહોંચ્યું છે.

Also read : મુંબઇની ડેમોગ્રાફી બદલવાનો પ્રયાસ થઇ રહ્યો છે, આ નેતાએ લગાવ્યા ગંભીર આરોપ

મહારાષ્ટ્ર સરકારે યુનેસ્કોને ‘ભારતના મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ’ થીમ હેઠળ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં ૧૨ કિલ્લાને વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં રાયગઢ, પ્રતાપગઢ, પન્હાલા, શિવનેરી, લોહગઢ, સાલ્હેર, સિંધુદુર્ગ, સુવર્ણદુર્ગ, વિજયદુર્ગ, ખંડેરી અને તમિલનાડુના જીંજીના કિલ્લાઓને પ્રસ્તાવમાં સામેલ કરવામાં આવ્યા છે, એમ નિવેદનમાં જણાવાયું છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશ પર યુનેસ્કોની માન્યતા માટે રાજ્યનો કેસ રજૂ કરવા માટે એક પ્રતિનિધિમંડળ શનિવારે પેરિસ જવા રવાના થયું. શેલારે મહારાષ્ટ્રના પ્રસ્તાવને યુનેસ્કો સુધી પહોંચાડવા બદ્દલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અને વૈશ્વિક મંચ પર રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી આપવા બદલ ફડણવીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

એડિશનલ ચીફ સેક્રેટરી વિકાસ ખડગે, આર્કિયોલોજી અને મ્યુઝિયમ ડિરેક્ટોરેટના ડેપ્યુટી ડાયરેક્ટર હેમંત દળવી અને આર્કિટેક્ટ શિખા જૈન સહિત ચાર સભ્યોનું પ્રતિનિધિ મંડળ ૨૬ ફેબ્રુઆરી સુધી પેરિસમાં રહેશે. આ કિલ્લાઓના ઐતિહાસિક અને સ્થાપત્ય મહત્વ પર ભાર મુકીને પ્રતિનિધિમંડળ યુનેસ્કો સત્તાવાળાઓ સમક્ષ તકનીકી અને રાજદ્વારી રજૂઆત કરશે, એમ નિવેદનમાં જણાવાયું છે.

Also read : પાલકપ્રધાન મુદ્દે ખેંચતાણ યથાવત્: શિવસેના નારાજ થતા મામલો પહોંચ્યો અમિત શાહના દરબારમાં

પ્રધાને આશા વ્યક્ત કરી કે આ પ્રયાસો મહારાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાના મહત્વને ઉજાગર કરવા સાથે છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લાઓને વૈશ્વિક ઓળખ અપાવવામાં મદદ કરશે. યુનેસ્કોની માન્યતા તેમના સંરક્ષણ, જાળવણી અને પ્રવાસન વિકાસ માટે માર્ગો ખોલશે. આ મહારાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત કરવામાં અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા માટે મદદ કરશે, એમ શેલારે જણાવ્યું હતું.
(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button