મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના ૮૧ કેસ નોંધાયા: એક મૃત્યુ
મુંબઈ: રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં બુધવારે ૮૧ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા છે અને એક મૃત્યુ થયું છે, આ સાથે જેએન૧ સબ-વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા અત્યાર સુધીમાં વધીને ૪૫૧ થઈ ગઈ છે. એક મૃત્યુ પૂણે શહેરમાં નોંધાયું હતું. મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯નો મૃત્યુદર હાલમાં ૧.૮૧ ટકા છે. મુંબઈમાં ૨૬ નવા કેસ નોંધાયા છે. પુણે ૧૮૯ના આંકડા સાથે રાજ્યમાં ઓમીક્રોનના જેએન૧ સબ-વેરિઅન્ટ દ્વારા સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યામાં મોખરે છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ પૂણે પછી થાણે (જેએન૧ સબ-વેરિયન્ટના ૮૯ કેસ), મુંબઈ (૩૭), છત્રપતિ સંભાજી નગર (૩૧), નાગપુર (૩૦), રાયગઢ (૧૩), સોલાપુર અને અમરાવતી (૯), સાંગલી અને કોલ્હાપુર (૭), રત્નાગીરી (૫), જલગાંવ અને હિંગોલી (૪), અહમદનગર અને બીડ (૩), નાંદેડ, નાસિક અને ધારાશિવ (૨), અને અકોલા, સતારા, સિંધુદુર્ગ યવતમાલ અને નંદુરબારમાં એક-એક છે દર્દીઓ નોંધાયા છે. બુધવારે મહારાષ્ટ્રમાં ૯૮.૧૮ ટકાના રિકવરી રેટથી કુલ ૯૭ લોકોને રજા આપવામાં આવી હતી. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૨,૨૬૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ૧૭૮૩ આરટી પીસીઆર અને ૧૦,૪૮૬ રેપિડ એન્ટિજેન ટેસ્ટ હતા. વિભાગે જણાવ્યું હતું કે વર્તમાન હકારાત્મકતા દર ૦.૬૬ ટકા છે. (પીટીઆઈ)