Maharashtra Weather: ખેડૂતોની ચિંતા વધી, આગામી 48 કલાકમાં રાજ્યમાં વરસાદની આગાહી
મુંબઇ: રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આવતા 48 કલાકમાં રાજ્યના અનેક શહેરોમાં વરસાદ સાથે કરાં પડવાની પણ શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ધીમોથી મધ્યમ તો ઘણાં વિસ્તારોમાં મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મહારાષ્ટ્રમાં ખાસ કરીને વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ છે.
હવામાન વિભાગમાંથી મળતી માહિતી મુજબ વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્રમાં વિજળીના કડાકા સાથે ધીમોથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. કોકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં ધીમાં વરસાદની શક્યતાઓ છે. નિકોબાર આઇલેન્ડ પર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઇશાન મોનસૂન રાજ્યના દક્ષિણ વિભાગમાં સક્રીય થયો છે. દક્ષિણ અંદમાન સમુદ્ર પાસેથી ઓછા દબાણનું ક્ષેત્ર નિર્માણ થયું છે. જેને કારણે કમોસમી વરસાદની હાજરી નોંધાઇ રહી છે.
આગામી બે ત્રણ દિવસ વિદર્ભ, મરાઠાવાડા અને મધ્ય મહારાષ્ટ્ર કમોસમી વરસાદની આગાહી હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. આગામી 48 કલાક વિદર્ભના અકોલા, અમરાવતી, ગોંદિયા અને નાગપુરમાં વિજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધ્ય મહારાષ્ટ્રમાં પણ આગામી બે દિવસ વરસાદની હાજરી નોંધાશે. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થશે આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાન 2-3 અંશ ડિગ્રી સેલ્સિયસથી ઘટવાની શક્યતાઓ છે. કેટલાકં સ્થળોએ ધુમ્મસ પણ દેખાશે.
બીડ, ધારાશિવ, લાતૂર, પરભણી, અકોલા, હિંગોલી, અમરાવતી, નાગપૂર, જાલના, નાંદેડ, ગોંદિયામાં હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે.