પુણેમાં પાણીની મોટી ટાંકી થઇ ધરાશાયી, બેના મોતની આશંકા
પુણેઃ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ગુરુવારે સવારે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. પુણેના પિંપરી ચિંચવડ ખાતે એક પાણીની ટાંકી તૂટી પડી હતી, જેની નીચે અનેક જણ ફસાયા હોવાની માહિતી મળી હતી. ટાંકી નીચે ફસાયેલા લોકોમાંથી બેથી ત્રણ મજૂરોના મોત થયા છે અને અન્ય સાત મજૂર ઘાયલ થયા હતા. સ્થાનિક પોલીસ દ્વારા આ દુર્ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. આ ઘટના પિંપરી ચિંચવાડ ટાઉનશિપના ભોસારી વિસ્તારમાં બની હતી.
આ દુર્ઘટનાના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડ અને પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના જવાનો, બચાવ ટીમના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી મજૂરોના બચાવની કામગીરી હાથ ધરી હતી. ઘાયલોને તુરંત નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ અહીં કામ ચાલી રહ્યું હોવાથી પાણીની ટાંકીની કામચલાઉ સુવિધા ઊભી કરવામાં આવી હતી. અહીં કામ કરતા મજૂરો શિબિરોમાં રહેતા હતા. તેઓ આ ટાંકીના પાણીની નહાતા હતા, એવા સમયે ટાંકી તૂટી પડી હતી અને મજૂરો તેની નીચે દબાઇ ગયા હતા.
હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. વહીવટીતંત્ર આ ઘટનાની તપાસ કરી રહ્યું છે અને અકસ્માતનું કારણ શોધવામાં આવી રહ્યું છે.
પોલીસે ત્રણ મજૂરોના મોતની અને સાત મજૂરો ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરી છે, પરંતુ આ ઘટનાને કારણે બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે. પ્રશાસન વિભાગે આ અકસ્માતની તપાસ શરૂ કરી છે અને સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.