આમચી મુંબઈ

મહારાષ્ટ્રના 31,955 કરોડના પમ્પ્ડ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ…

સરકારે 4 પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા, 6,450 મેગાવોટ વીજળી અને 15,000 નોકરીઓ તૈયાર થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્ર સરકારે મંગળવારે ખાનગી કંપનીઓ સાથે 31,955 કરોડ રૂપિયાના રોકાણ સાથે પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ (પીએસપી) વિકસાવવા માટે ચાર સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા, જેના દ્વારા 6,450 મેગાવોટ વીજળી અને 15,000 નોકરીઓનું રાજ્યમાં ઉપલબ્ધ થશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં અહીંના રાજ્ય વિધાન ભવનમાં આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ પ્રોજેક્ટ્સ રિન્યૂએબલ ઉર્જા ઉત્પાદનમાં નોંધપાત્ર યોગદાન આપશે તેમ જ રાજ્યના ઔદ્યોગિક અને સામાજિક વિકાસને વેગ આપશે તેવી અપેક્ષા છે, એમ એક નિવેદનમાં જણાવાયું છે. ‘મહારાષ્ટ્ર મહત્વાકાંક્ષી નીતિ, પ્રોજેક્ટ પાઇપલાઇન અને રોકાણના દૃષ્ટિકોણ સાથે પમ્પ્ડ સ્ટોરેજ ક્ષેત્રમાં દેશમાં અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે,’ એમ જણાવતાં ફડણવીસે કહ્યું હતું કે, રાજ્ય નેટ-શૂન્ય કાર્બન ઉત્સર્જન સાધ્ય કરવાના રાષ્ટ્રીય ધ્યેય તરફ નિર્ણાયક રીતે આગળ વધી રહ્યું છે.

રાજ્ય 2030 સુધીમાં રિન્યૂએબલ ઊર્જા સ્ત્રોતોમાંથી તેની 50 ટકાથી વધુ વીજળી ઉત્પન્ન કરવાનું લક્ષ્ય રાખે છે, જેમાં ગ્રીડ સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સૌર ઉર્જા અને પમ્પ્ડ સ્ટોરેજ સિસ્ટમ્સ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. એમઓયુ મુજબ, ગ્રીનકો એમએચ-01 આઈઆરઈપી પ્રા. લિ. છત્રપતિ સંભાજીનગરના સોયગાંવ ખાતે 9,600 કરોડ રૂપિયાના રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપશે. જેમાં 2,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે અને 6,000 નોકરીઓ પૂરી પાડશે.

સરકારે અમરાવતીના ચિખલદરા ખાતે 8,250 કરોડ રૂપિયાના રોકાણ અને 1,500 મેગાવોટ ક્ષમતાવાળા પ્રોજેક્ટ માટે અદાણી હાઇડ્રો એનર્જી ટેન લિમિટેડ સાથે કરાર પણ કર્યો હતો. તે 4,800 નોકરીઓ પૂરી પાડશે, એમ નિવેદનમાં જણાવાયું છે. સરકારે કોલ્હાપુર જિલ્લાના ચાંદગઢ ખાતે એક પ્રોજેક્ટ સ્થાપવા માટે રિત્વિક કોલ્હાપુર પીએસપી પ્રાઇવેટ લિમિટેડ સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. તે 1,200 મેગાવોટ ઊર્જા ઉત્પન્ન કરવાનો અંદાજ ધરાવે છે, જ્યારે રોકાણ 7,405 કરોડ રૂપિયા હશે. તેમાં 2,600 નોકરીઓ ઉપલબ્ધ થશે.

રત્નાગીરીના લાંજા ખાતે વોટરફ્રન્ટ ક્ધસ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ સાથે ચોથા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તે 6,700 કરોડ રૂપિયાના રોકાણ સાથે 1,750 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે અને 1600 નોકરીઓ પૂરી પાડશે.
ફડણવીસે કહ્યું કે ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે ઉચ્ચ સૌર ક્ષમતા છે, પરંતુ મહારાષ્ટ્રની જૈવવિવિધતા અને ભૂપ્રદેશ, ખાસ કરીને સહ્યાદ્રી પર્વતમાળા, પમ્પ્ડ સ્ટોરેજ માટે આદર્શ બનાવે છે.

રાજ્યે 1,00,000 મેગાવોટ પીએસપી ક્ષમતા પ્રાપ્ત કરવાનો લાંબા ગાળાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જેમાં ઘણા ઔદ્યોગિક જૂથો પહેલેથી જ મજબૂત રસ વ્યક્ત કરી રહ્યા છે. વાર્ષિક જળાશય વપરાશ ફી પ્રતિ મેગાવોટ 11.33 લાખ રૂપિયા હશે, જ્યારે પાણીનો ચાર્જ ઔદ્યોગિક દરો મુજબ હશે. જમીન ભાડાપટ્ટા પ્રવર્તમાન દરે રહેશે, એમ નિવેદનમાં જણાવાયું છે.
અગાઉ, જળ સંસાધન વિભાગે 16 એજન્સીઓ સાથે 46 પીએસપી માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા, એમ પણ તેમાં જણાવાયું છે.

આ ચાર એમઓયુ સાથે, કુલ પ્રોજેક્ટ્સની સંખ્યા હવે 50 થઈ ગઈ છે, જેની સંયુક્ત ક્ષમતા 68,815 મેગાવોટ, અંદાજિત રોકાણ 3.75 લાખ કરોડ રૂપિયા અને 1.11 લાખ રોજગારીનું સર્જન થવાની સંભાવના છે, એમ તેમાં જણાવાયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button