આમચી મુંબઈ

પીઓપીની મૂર્તિ મુદ્દે પાલિકાએ કર્યા હાથ ઉપર

કોર્ટના આદેશનું પાલન કરાવવું મહારાષ્ટ્ર પોલ્યુશન બોર્ડનું કામ: સુધરાઈ મંડળો પાસેથી જ બાયંધરી જ લઈ શકે છે, દંડ વસૂલ કરી શકે નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્લાસ્ટર ઓફ પેરિસની(પીઓપી) મૂર્તિ પર પ્રતિબંધ મૂકવાના કોર્ટના આદેશનું પાલન આ વર્ષે તો કરવું શક્ય નથી અને આ બાબતનો અંતિમ નિર્ણય આગામી ૨૮ ઑક્ટોબરના આવવાની શક્યતા છે ત્યારે પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ મુકાયા બાદ તેને અમલમાં મૂકવાનું કામ મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું હોવાનું મુંબઈ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

સાત સપ્ટેમ્બર, શનિવારના વિધ્નહર્તા ગણપતિબાપ્પાનું આગમન થઈ રહ્યું છે. મુંબઈના મોટાભાગના સાર્વજનિક ગણેશમંડળોમાં મૂર્તિનું આગમન થઈ ગયું છે, પરંતુ પીઓપીની મૂર્તિના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના કોર્ટના આદેશ બાદ આગામી વર્ષથી તેમના મંડળોની વિશાળકાય મૂર્તિઓ બનાવવી કેવી રીતે તેની ચિંતા અત્યારથી તેમને સતાવી રહી છે. તો ગણતરીના દિવસ બાકી રહ્યા છે, છતાં હજી સુધી માત્ર ૫૮.૫૫ ટકા મંડળોને જ મંજૂરી મળી છે તેથી તેમની ચિંતા વધી ગઈ છે.

પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ મૂકવાનો કોર્ટનો આદેશ તો આવી ગયો પરંતુ વ્યવહારિક રીતે તેને અમલમાં તો હવે આવતા વર્ષથી મૂકવાનું શક્ય છે ત્યારે પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે કોર્ટનો અંતિમ નિર્ણય તો કદાચ આગામી ઓક્ટોબરમાં આવી જશે. જોકે ૨૦૨૦થી તે અમલમાં મુકાઈ શક્યો નથી, તે માટે પાલિકાને દોષ આપવો યોગ્ય નથી.

મૂર્તિકારો અને ગણેશભક્તો પીઓપીનો ઉપયોગ ન કરે તેની જવાબદારી મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડની છે. જો તેઓ પીઓપીનો પર્યાય આપી શક્યા હોય તો લોકો તેનો ઉપયોગ ટાળી શકયા હોત. પીઓપીનો ઉપયોગ મૂર્તિ બનાવવા માટે ન થાય અને કોર્ટના આદેશનું પાલન લોકો કરે તેની જવાબદારી મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડની છે. પાલિકા ફક્ત મંડળોને મંજૂરી આપતા સમયે તેમની પાસેથી લેખિતમાં તેઓ પીઓપીની મૂર્તિનો ઉપયોગ કરશે નહીં એવી બાયંધરી લઈ શકે છે. કોર્ટના આદેશ બાદ પણ તેનો અમલ ન કરાય તો મંડળોને દંડવાનો અધિકાર પણ પાલિકા પાસે નથી.

માત્ર ૫૮.૪૪ ટકા મંડળોેને મંજૂરી
ગણેશોત્સવને માંડ ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે અત્યાર સુધી ૫૮.૫૫ ટકા ગણેશમંડળોને મંજૂરી મળી છે. સોમવાર બે સપ્ટેમ્બર સુધીમાં કુલ ૩,૫૦૭ અરજીઓ આવી છે, તેમાંથી ૪૭૯ ડુપ્લીકેટ અરજી છે. અત્યાર સુધી ૩,૦૨૮ અરજીઓની સ્ક્રૂટિની થઈ ગઈ છે અને ૧,૭૭૩ મંડળોને મંજૂરી આપી દેવામાં આવી છે. પોલીસ પાસે ૪૫૦ અરજી પેન્ડિંગ છે. જો ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પાસે ૩૪૦ અરજી પેન્ડિંગ છે.

વરસાદ પડશે તો રસ્તા પર ખાડા પડશે
ગણેશોત્સવના તહેવાર પહેલા મુંબઈના રસ્તા પરના ખાડા પૂરી કરી દેવાનું મુંબઈ મહાનગરપાલિકાનું આશ્ર્વાન પોકળ સાબિત થયું છે. બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિની સાથે જ મુંબઈના અનેક સાર્વજનિક ગણેશમંડળોએ ગણેશમૂર્તિના આગમન સમયે તેમને રસ્તા પરના ખાડા નડયા હોવાની ફરિયાદ કરી છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે યુદ્ધના ધોરણે રસ્તા પરના ખાડા પૂરવાનું કામ કરવામાં આવ્યું છે. પરંતુ જો વરસાદ પડશે તો રસ્તા પર ખાડા પડવું સહજ છે. જોકે વરસાદ થોભશે એ સાથે જ ખાડા પૂરી દેવામાં આવે એવા પ્રયાસ કરશું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button