ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરી શિંદે સાથે ગુવાહાટી ગયેલા તમામ સભ્યોને મળ્યો શિંદેનો ભરોસો
મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે અને દરેક પક્ષ તેમની તૈયારીમાં લાગ્યા છે. દરેક પાર્ટી તેમના ઉમેદવાર જાહેર કરી રહી છે. એવામાં મહાયુતિના સત્તાધારી પક્ષ શિંદેની શિવસેનાએ પણ વિધાન સભાની ચૂંટણી લડનારા 45 ઉમેદવારોની સૂચિ જારી કરી દીધી છે. આ ઉમેદવારોમાં એક વાત ઉડીને આંખે વળગે છે અને તે એ છે એકનાથ શિંદેએ એ બધા વિધાન સભ્યોને ફરીથી ટિકિટ આપી છે, જેમણે જૂન 2022માં તત્કાલિન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે વિદ્રોહ કર્યો હતો અને શિંદે સાથે ગુવાહાટી ગયા હતા. શિંદે કોપરી-પંચપાખાડીથી ચૂંટણી લડી રહ્યા છે. પક્ષે કેબિનેટ પ્રધાન ઉદય સામંતના ભાઇ કિરણ સામંતને રાજાપુર વિધાન સભા સીટની ઉમેદવારી આપી છે, જ્યારે ઉદય સામંતને રત્નાગિરીથી ઊભા રાખવામાં આવ્યા છે. શિંદે સેનાની પહેલી સૂચિમાં ત્રણ મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. કેટલાક નવા ચહેરાઓમાં રાજકીય પરિવારોના નેતાઓ અને અપક્ષોને પણ સ્થાન મળ્યું છે.
એકનાથ શિંદેએ સોશિયલ મીડિયા પર તેમના ઉમેદવારોની યાદી પોસ્ટ કરી હતી. દ.મુંબઇથી લોકસભાની ચૂંટણી લડી ચૂકેલા યામિની યશવંત જાધવને ફરીથી ઉમેદવારી આપવામાં આવી છે. તેઓ ભાયખલાથી ચૂંટણી લડશે. ઉત્તર પશ્ચિમ મુંબઇમાંથી લોકસભાની ચૂંટણી જીતેલા રવિન્દ્ર વાયકરના પત્ની મનીશા વાયકરને જોગેશ્વરી પૂર્વથી ઉમેદવારીની તક આપવામાં આવી છે. રવિન્દ્ર વાયકર આ સીટ પરથી જીતતા હતા . હવે તેઓ સાંસદ બની ગયા છે, એટલે તેમના પત્નીને મોકો આપવામાં આવ્યો છે.
પ્રકાશ સુર્વે, દિલીપ લાંડે અને મંગેશ કુડાલકર જેવા વિધાન સભ્યોને ફરીથી તક આપવામાં આવી છે. માહિમ બેઠક પરથી વિધાન સભ્ય સદા સરવણકરને ઊભા રાખવામાં આવ્યા છે. આ બેઠક પરથી મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેના પુત્ર ચૂંટણી લડવાના છે.
અમરાવતી જિલ્લામાં દરિયાપુર બેઠક પર અડસુલ પરિવારના અભિજીતને ઊભા રાખવામાં આવ્યા છે, તો પૈઠણથી સંદીપન ભુમરેના પુત્ર વિલાસ ભુમરેને ઉમેદવારી આપવામાં આવી છે, જ્યારે કેબિનેટ સભ્ય દાદા ભુસે માલેગાંવ (આઉટર)થી ચૂંટણી લડશે.
શિંદેએ રામટેકથી આશિષ જયસ્વાલ, ભંડારાથી નરેન્દ્ર ભોંડેકર, વૈજાપુરથી રમેશ બોરનારે અને ઉમરગાથી જ્ઞાનરાજ ચૌગુલેને ઊભા રાખી અપક્ષ વિધાન સભ્યોનું પણ ધ્યાન રાખ્યું છે.
તો એરંડોલથી અમોલ પાટિલ, ખાનપુરથી અભિજીતને, વિકાસ ભુમરે, મનીશા વાયકર, કિરણ સામંત, સુહાસ બાબરને ટિકિટ આપીને શિંદેએ સગપણને પણ ધ્યાનમાં રાખ્યું છે.