પક્ષનું નામ અને ચિહ્ન મેળવ્યા બાદ હવે અજિત પવારની નજર પક્ષના કાર્યાલય પર?
મુંબઈઃ મહારાષ્ટ્રનું રાજકારણ નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (NCP)ને લીધે ચર્ચામાં છે. કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર વચ્ચેની લડાઈમાં ગઈકાલે પક્ષનું નામ અને ચિહ્ન ભત્રીજાને ફાળે ગયું છે. ચૂંટમી પંચના આ નિર્ણય સામે કાનૂની લડત આપવાની જાહેરાત દિલ્હી ખાતે શરદ પવારે કરી છે. આ બધા વચ્ચે હવે અજિત પવાર અહીંથી ન અટકતા પક્ષના કાર્યાલય પર નજર નાખીને બેઠા હોવાની વાતે જોર પકડ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી અને ચૂંટણી ચિન્હ મળ્યા બાદ અજિત પવાર જૂથે હવે શરદ પવાર કેમ્પમાંથી પાર્ટી ઓફિસ લેવાનો નિર્ણય કર્યો છે. અજિતે એનસીપીના મુખ્યાલય પર દાવો કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ ઓફિસ NCPને ફાળવવામાં આવી છે. આ સિવાય અજિત પવાર પાર્ટીના ફંડનો દાવો કરવો કે નહીં તે અંગે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરશે, તેમ પણ જાણવા મળ્યું છે.
વાસ્તવમાં, દક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટ પર સ્થિત એનસીપીની વિશાળ ઓફિસને મેટ્રો પ્રોજેક્ટના કારણે ટ્રાન્સફર કરવામાં આવી છે અને MMRDA દ્વારા બેલાર્ડ એસ્ટેટની સરકારી બેરેકમાં નવી ઓફિસ તૈયાર કરવામાં આવી છે. રાજ્યમાં પાર્ટીની ઘણી ઓફિસો એનસીપી વેલફેર ફંડથી બનેલી છે, જે એનસીપી ટ્રસ્ટની માલિકીની છે. ટ્રસ્ટના અધ્યક્ષ શરદ પવાર છે. જ્યારે ટ્રસ્ટના અન્ય સભ્યોમાં અજિત પવાર, સુપ્રિયા સુળે, હેમંત ટકલેનો સમાવેશ થાય છે. તેથી, તે પાર્ટી કાર્યાલયોનો દાવો કરવામાં સમસ્યા આવી શકે તેમ છે.
અજિત પવારને પણ પક્ષ માટે ઓફિસ જોઈશે ત્યારે હવે તે એનસીપીના મુખ્યાલયને મેળવવાની કોશિશ કરે છે કે પછી પોતાની માટે કોઈ અલગ વ્યવસ્થા કરે છે તે જોવાનું રહ્યું.