ચૂંટણી પહેલા જ મહાયુતિમાં વિવાદ, ભાજપના નેતાના વિવાદાસ્પદ નિવેદનથી મચ્યો ખળભળાટ
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ દરેક પક્ષનો ચૂંટણી પ્રચાર પણ વેગ પકડતો જાય છે. દરેક પક્ષ જીતવા માટે કમર કસી રહ્યો છે અને જુદા જુદા વચનો આપી મતદાતાઓને રિઝાવવાની કોશિશ કરી રહ્યો છે. દરમિયાન ઉલ્હાસનગરના ભાજપ જિલ્લા પ્રમુખ પ્રદીપ રામચંદાનીએ કઇંક એવું નિવેદન કર્યું છે જેનાથી ખળભળાટ મચી ગયો છે. એક બેઠક દરમિયાન તેમણે જણાવ્યું હતું કે હવે તો કોઇ દેશદ્રોહી રહ્યા નથી. જેને દેશદ્રોહી ગણવામાં આવે છે તેઓ મુખ્ય પ્રધાન બની જાય છે. રામચંદાનીના આ નિવેદન પર શિંદેસેના તરફથી હજુ સુધી કોઈ પ્રતિભાવ આવ્યો નથી, પરંતુ એમ માનવામાં આવે છે કે તેમના આ નિવેદનથી ભાજપ અને શિવસેના વચ્ચે ફરીથી વિવાદ થઈ શકે છે.
શાસક મહાયુતિએ ઉલ્હાસનગરના વિધાન સભ્ય કુમાર ઈલાનીને ફરી એકવાર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. તાજેતરમાં ઉલ્હાસનગર ખાતે ભાજપ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમયે સંબોધન કરતા ઉલ્હાસ નગર જિલ્લા પ્રમુખ પ્રદીપ રામચંદાનીએ કહ્યું હતું કે હવે રાજકારણની વ્યાખ્યા બદલાઇ ગઇ છે. હવે દેશદ્રોહી નથી કહેવાતા. જેને દેશદ્રોહી કહે છે તેઓ હવે મુખ્ય પ્રધાન બની ગયા છે.
રામચંદાની આટલેથી જ નહોતા અટક્યા. તેમણે જણાવ્યું હતું કે જે લોકોએ ગદ્દારી કરી છે તેઓ હવે અમારી પાર્ટીમાં જોડાયા છે અને અમે તેમને ખુદ્દાર કહીએ છીએ. ભાજપા જિલ્લા પ્રમુખના આ બયાનથી હડકંપ મચી ગયો છે. તેમના આ બયાન પર શિંદે સેનાના પ્રતિભાવ આવવાના હજી બાકી છે.
દરમિયાન રામચંદાનીના નિવેદનથી જ્યારે વિવાદ થવા માંડ્યો ત્યારે તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે મારા ભાષણનો અલગ મતલબ કાઢવામાં આવ્યો છે.
આ પણ વાંચો….માનવતા મહેંકી: એકનાથ શિંદેએ કાફલો રોકીને જખમી યુવકને કરી મદદ
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે અને 23મી નવેમ્બરના રોજ ચૂંટણીના પરિણામ જાહેર થશે. મહાયુતિ સત્તામાં પાછી ફરે છે કે મહા વિકાસ અઘાડીના શિરે સત્તાનો તાજ સોંપાય છે, એ તો પરિણામ બાદ જ ખબર પડશે.
મહારાષ્ટ્રમાં આ વખતે મહાયુતિ ગઠબંધન (શિંદે સેના, ભાજપ અને અજિત પવારની એનસીપીનો કૉંગ્રેસ, ઉદ્ધવ સેના અને શરદ પવારની એનસીપી સાથે મુકાબલો છે) બંને પક્ષ સત્તા હાસલ કરવાનો દાવો કરી રહ્યા છે.