અમિત શાહના ‘એકલા ચલો’ નિવેદન પર મહારાષ્ટ્રની મહાયુતિમાં હલચલ
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 2024 પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. મુંબઈમાં આયોજિત ભાજપના નેતાઓ અને કાર્યકરોની બેઠકમાં કહ્યું હતું કે 2029માં ભાજપ મહારાષ્ટ્રમાં પોતાના દમ પર સત્તામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રીના આ નિવેદનથી ઘટક પક્ષોમાં ખળભળાટ મચી ગયો છે. મહાયુતિમાં સામેલ ઘટક પક્ષોએ આ ‘આત્મનિર્ભર’ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમજ કેન્દ્રીય ગૃહમંત્રીના આ નિવેદન પરથી અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે.
મહારાષ્ટ્રની સૌથી મોટી પરીક્ષામાં વિજય સુનિશ્ર્ચિત કરવાના પ્રયાસરૂપે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે મુંબઈ, થાણે અને કોંકણ પ્રદેશોના કાર્યકર્તા સાથે સંવાદ બેઠકો યોજી હતી. 2024માં એનડીએની મહાયુતિની જીતની ખાતરી આપતાં તેમણે એમ પણ કહ્યું હતું કે ‘2029માં બીજેપી પોતાના દમ પર સરકાર બનાવશે’.
અત્યારે 2024ની ચિંતા રહેશે: શિંદે
મહાયુતિ સરકારનો હિસ્સો રહેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે શરૂઆતમાં આ પ્રશ્ર્નને ટાળતા જોવા મળ્યા હતા. જો કે, ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે અત્યારે તેઓ 2024ની ચિંતા કરે છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે આવા નિવેદનો કાર્યકર્તાનું મનોબળ વધારવા માટે કરવામાં આવતા હોય છે. દરેક વ્યક્તિને પોતાના પક્ષના સંગઠનને વિસ્તારવાનો અધિકાર છે.
આ પણ વાંચો : મહાયુતિની બેઠકોની વહેંચણીનો હવે ફેંસલો: અમિત શાહ આજે આવે છે
2024ની લડાઈમાં, 2029 માટે આપવામાં આવેલા નિવેદનથી મહાયુતિમાં સામેલ ઘટક પક્ષો નારાજ થઈ શકે છે. તેને જોતા ભાજપે પણ અમિત શાહના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે અમે ભાજપના કાર્યકર્તા છીએ, તેથી સ્વાભાવિક રીતે જ વિચાર આવે છે કે જો અમારા કાર્યકરો મજબૂત નહીં હોય તો શું થશે અને તેથી 2029ની આ ટિપ્પણી તેમનું મનોબળ વધારવા માટે છે.
વિપક્ષને ભાજપને ઘેરવાનો મોકો મળ્યો
જો કે વિપક્ષને ભાજપને ઘેરવાની તક મળી છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે અમિત શાહ 2029માં દિલ્હીમાં નહીં હોય. અત્યારે તે કાખઘોડીના સહારે સત્તામાં છે. તેમણે એમ પણ કહ્યું કે આ એક કૌભાંડી સરકાર છે અને મહારાષ્ટ્રને આ સરકાર જોઈતી નથી.
મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર સત્તામાં છે, જેમાં શિવસેનાના એકનાથ શિંદે મુખ્ય પ્રધાન છે, ભાજપના દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન છે. આવી સ્થિતિમાં અમિત શાહના 2029માં ‘એકલા ચાલો રે’ના નિવેદનને કારણે મહાયુતિના ઘટકો અને ખુદ એકનાથ શિંદે માટે ખતરાની ઘંટડી ગણવી જોઈએ? આ પ્રશ્ર્નનો જવાબ મોટાભાગે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો પર નિર્ભર છે.