ચૂંટણી નજીક આવી એટલે લહાણીઓ શરૂ, જાણો મુંબઈની સવલતો માટે કેટલા નાણા ફાળવાયા
મુંબઇઃ આગામી મહિનાઓમાં મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા રાજ્ય અને નગરપાલિકા કક્ષાએ વિવિધ વિકાસના કામો ચાલી રહ્યા છે. મુંબઈ શહેરના પાલક પ્રધાન દીપક કેસરકરે શુક્રવારે મ્યુનિસિપલ હેડક્વાર્ટર ખાતે જાહેરાત કરી હતી કે મુંબઈ શહેરના 10 વિધાનસભા મતવિસ્તારો માટે વોર્ડ સ્તરે રૂ. 500 કરોડનું વિકાસ ભંડોળ આપવામાં આવશે. આ ફંડમાંથી રસ્તા, શૌચાલય અને અન્ય વિકાસના કામો હાથ ધરવામાં આવશે. આ સિવાય કેસરકરે રાણી બાગમાં અંડરગ્રાઉન્ડ એક્વેરિયમ, હાથગાડી ચલાવતા કામદારો માટે બેટરી સંચાલિત હેન્ડકાર્ટ, માહિમથી વરલી સુધી પ્રવાસી બોટની સુવિધા જેવી પણ કેટલીક જાહેરાતો પણ કરી હતી.
બીએમસીમાં હાલમાં શિવસેના અને ભાજપના પૂર્વ નગરસેવકોએ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને અટકી પડેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. તેમણે રસ્તાના કામો, પાર્કનું બ્યુટિફિકેશન, શૌચાલયનું સમારકામ વગેરે જેવી માગણી કરી હતી. આની નોંધ લઇને કેસરકર દ્વારા વિવિધ વિકાસ કામોની જાહેરાત કરવામાં આવી છે. આ કામ માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રૂ. 350 કરોડ અને જિલ્લા વાર્ષિક આયોજન બોર્ડ (DPDC) દ્વારા રૂ. 150 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. વોર્ડ ઓફિસરોને આ વિવિધ વિકાસ કામો પૂરા કરવા માટે ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ કેસરકરે જણાવ્યું હતું.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન રાણી બાગમાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડનું અંડરગ્રાઉન્ડ એક્વેરિયમ બનાવવાની દરખાસ્ત કરી રહ્યું છે. આ માટે નજીકની મફતલાલ કંપનીની સાઈટ ઉપલબ્ધ છે. વરલીમાં એક્વેરિયમને બદલે દરિયા કિનારે રોડની બાજુમાં એક જગ્યાએ એક્વેરિયમ બનાવવાનું આયોજન છે. આ રૂટમાં ગ્રીન એરિયા બનાવતી વખતે ફૂટપાથ, સાયકલ ટ્રેક વગેરે સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. કેસરકરે જણાવ્યું હતું કે સાયકલ ટ્રેક માટે અલગ પુલ બનાવવામાં આવશે.
કેસરકરે એમ પણ જણાવ્યું હતું કે માહિમથઈ વરલી કોલીવાડા સુધીની ટૂરિસ્ટ બટ શરૂ કરવાનું પણ આયોજન છે. તે માટે સસૂન ડૉકની જેમ જ વરલી કોલીવાડા જેટ્ટી બનાવવામાં આવશે, જેનાથી પર્યટન ક્ષેત્રનો વિકાસ થશે.
લોકોની એક સામાન્ય ફરિયાદ હોય છે કે ચૂંટણી આવવાની હોય એટલે બધા રાજકીય નેતાઓ મોટા મોટા વચનોની લહાણી કરે અને ચૂંટણી પૂરી થાય પછી હું કોણ અને તું કોણ. ચૂંટણી ટાણે તેઓ ધડાધડ વિકાસના કામોની ફાઇલ પાસ કરવા માંડશે અને નાણાની જોગવાઇ પણ કરશે, જેથી લોકોની નજરમાં કંઇક કામ તો કરેલું દેખાય. કેસરકરની વિકાસના કામો માટે ફંડની ફાળવણીની જાહેરાતને પણ લોકો આ રીતે જ જુએ તો કંઇ નવાઇ નહીં.