લાડકી બહેન યોજના પર વિવાદાસ્પદ નિવેદન અંગે ધનંજય મહાડિક સામે કેસ નોંધાયો
કોલ્હાપુર: મુખ્ય પ્રધાન મારી લાડકી બહેન યોજના વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ભાજપના સાંસદ ધનંજય મહાડિક બૂરા ફસાયા છે. ચૂંટણી પંચે ધનંજય મહાડિક સામે કાર્યવાહી શરૂ કરી છે. ધનંજય મહાડિકે સીએમની લાડકી બહેન યોજના અંગે અંગે વાંધાજનક નિવેદન કર્યું હતું. નિવેદનથી આચારસંહિતાનો ભંગ થયો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. તેમની સામે ચૂંટણી વિભાગે કેસ નોંધ્યો છે.
ચૂંટણી અધિકારીઓએ ધનંજય મહાડિક પાસેથી કોલ્હાપુરમાં એક સભામાં કરેલા નિવેદન બદલ સ્પષ્ટતા માગી હતી. તેમણે જે ખુલાસો આપ્યો તે ચૂંટણી પંચના અધિકારીઓને ગળે ઉતર્યો નહોતો. તેથી હવે ધનંજય મહાડિક સામે ચૂંટણીની આચારસંહિતા ભંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ ધનંજય મહાડિક સામે કડક કાર્યવાહી કરશે કે કેમ તેના પર રાજકીય પક્ષોનું ધ્યાન છે.
મહાડિકના નિવેદન બાદ મહાવિકાસ આઘાડીએ રાજ્ય સરકારની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે મહિલાઓને ધમકીઓ આપવામાં આવી રહી છે. રાજ્યની મહિલાઓ આ યાદ રાખશે. કોંગ્રેસના નેતા સતેજ પાટીલે કહ્યું હતું કે ચૂંટણી દરમિયાન બહેનો મહાવિકાસ આઘાડીને મત આપીને (મહાયુતિને) તેમને દેખાડી દેશે.
આ પણ વાંચો…..Maharashtra Election 2024 : કોંગ્રેસે 16 બળવાખોર નેતાઓને આ કારણે કર્યા પક્ષમાંથી સસ્પેન્ડ
એ વિચાર આવવો સ્વાભાવિક છે કે મહાડિક એવું તે શું બોલ્યા હતા કે રાજકારણ ગરમાયું છે. કોલ્હાપુરની એક સભામાં ભાષણ આપતા સમયે મહાડિકે કહ્યું હતું કે કૉંગ્રેસની સભામાં જો કોઇ મહિલા દેખાય તો જઇને તેને ફોટો કાઢી લેજો અને અમને મોકલી આપજો. આવી મહિલાઓના ફોર્મ પર સહી લઇને તેમને આપવામાં આવતા પૈસા બંધ કરી દેવાશે. આ લોકો પૈસાનું રાજકારણ કરી રહ્યા છે. અમારી પાસે પૈસાના ઝાડ નથી ઉગ્યા. અમે અન્ય ગરીબ અને જરૂરતમંદ મહિલાઓને પૈસા આપીશું, પણ આ પ્રકારની રમત ચાલવા નહીં દઇએ. તેમના આ નિવેદન પર વિવાદ થયો છે.