મહારાષ્ટ્ર પોલીસ મુખ્ય તહેવારોમાં કોન્સ્ટેબલોને કોઓર્ડિનેટર તરીકે તહેનાત કરશે

મુંબઇ: રાજ્યભરમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ રીતે પાર પડ્યો તેમાં અસરકારક સિદ્ધ થયેલી પોલીસ કોન્સ્ટેબલોને કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવવાની પદ્ધતિ હવે જાહેર અને ધાર્મિક તહેવારો માટે લાગુ કરવાનો નિર્ણય મહારાષ્ટ્ર પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે.
6 સપ્ટેમ્બરે 10 દિવસનો ગણેશોત્સવ શાંતિપૂર્ણ રીતે પાર પડ્યો. તેમાં કોન્સ્ટેબલોએ ગણેશ મંડળો સાથે આરંભથી કોઓર્ડિનેટરની ભૂમિકા ભજવી હતી, જેથી કોઇ પણ અનિચ્છનીય ઘટના વિના ઉજવણી પાર પડે. આ પહેલ હવે આગામી તહેવારો નવરાત્રિ, શિવજયંતી, આંબેડકર જયંતી, ઇદ તેમ જ અન્ય તહેવારો માટે પણ લાગુ કરાશે.
આપણ વાંચો: ડ્રગ્સના દૂષણને નાથવા મહારાષ્ટ્ર પોલીસ સજ્જ: એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ…
મહારાષ્ટ્રના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ રશ્મી શુકલા અને એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) નિખિલ ગુપ્તાએ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અને પોલીસ કમિશનરો સહિત જિલ્લાના દરેક યુનિટ કમાન્ડરને તહેવાર શરૂ થયો તે પૂર્વે દરેક ગણેશ મંડળ માટે એક પોલીસ કોન્સ્ટેબલ નીમવા માટે નિર્દેશ આપ્યા હતા.
અનેક ગામમાં બહુસમુદાય ગણેશમૂર્તિઓ હતી, જેથી એક કોન્સ્ટેબલે ત્રણથી ચાર મંડળો સાથે સમન્વય સાધી રાખવાનં કામ પાર પાડ્યું હતું. દરરોજ મંડળોની મુલાકાત લેવી, આયોજકો સાથે મીટિંગ અને પ્રશાસન પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવવામાં મદદ થવા સહિત કોન્સ્ટેબલોએ કોઓર્ડિનેટરની ઉત્તમ કામગીરી બજાવી હતી, એમ વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.
કોન્સ્ટેબલોએ ઘણા બધા સંવેદનશીલ વિસ્તારોમાં વિખવાદોનું સમાધાન કરવા અને કોમી ભાઇચારો જાળવવામાં મદદ કરી હતી. અમુક સ્થળે મુસ્લિમોનું વર્ચસ હોય તેવા વિસ્તારોમાં ગણેશમૂર્તિ લઇ જવાય ત્યારે મધ્યસ્થી કરી શાંતિ જળવાઇ રહે તેની તકેદારી રાખી હતી. રાજ્યમાં જૂજ નજીવી ઘટનાઓ બની હતી.
આપણ વાંચો: New Criminal Laws અમલમાં મૂકવા મહારાષ્ટ્ર પોલીસ તૈયાર, જાણો શું કાયદા અમલી થશે?
ગણેશ વિસર્જનની શોભાયાત્રાના માર્ગ મંડળના પ્રતિનિધિઓ સાથે સલાહમસલત કરીને નક્કી કરાયા હતા. કોન્સ્ટેબલો સતત વિસર્જન યાત્રા, રોજના કાર્યક્રમો, કાનૂની પરવાનગીઓ માટે સતત મંડળના સંપર્કમાં હતા, એમ અધિકારીએ કહ્યું હતું.
ધાર્મિક સ્થળ નજીકથી સરઘસ પસાર થતું હોય ત્યારે કોઓર્ડિનેટરોએ લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરવા અથવા સંગીત બંધ કરવા અને ધાર્મિક ભાવનાઓનો આદર કરવા માટે મંડળને સમજાવ્યા હતા.
આ પહેલને જબરદસ્ત સફળતા મળી હોવાથી હવે આગામી તહેવારોમાં પણ તેનો અમલ કરાશે. જિલ્લાઓ અને શહેરોમાં પોલીસ પ્રમુખોને આગામી સપ્તાહમાં આ સંબંધમાં નિર્દેશો મોકલવામાં આવશે. આનાથી તહેવારો પૂર્વે સાવચેતીનાં પગલાં લેવામાં મદદ થશે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)