શું થશે 66 ઇમારતોનું: પુનર્વિકાસ પડતો મૂકાયો હવે થશે ફક્ત…
મુંબઈ: વડા પ્રધાન આવાસ યોજના હેઠળ 30-35 વર્ષ પૂર્વે બનાવવામાં આવેલી 66 બિલ્ડીંગના રિડેવલપમેન્ટ(પુનર્વિકાસ)ની વિચારણા આખરે પડતી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રિડેવલપમેન્ટના બદલે આ બિલ્ડીંગ્સનું ફક્ત સમારકામ જ કરવામાં આવશે.
આ પણ વાંચો : થાણેમાં રોંગ સાઈડ દોડતા વાહનોને રોકવા ‘ટાયર કિલર’નો પ્રયોગ
આ તમામ બિલ્ડીંગ જૂના થઇ ગયા હોવાથી તેનું બાંધકામ નબળું પડી ગયું હતું, જેને પગલે તેના રિડેવલપમેન્ટનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હવે રિડેવલપેમન્ટ માટે વધુ રાહ જોવી પડે એમ હોઇ તેનું સમારકામ કરવાનો નિર્ણય લેવાયો છે, જેની માટે દોઢસો કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા 1988માં વડા પ્રધાન આવાસ યોજના હેઠળ આપવામાં આવેલા ભંડોળનો ઉપયોગ કરીને મુંબઈમાં 243 રહેઠાણોનું રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું. 1989થી 1994 દરમિયાન આ 66 બિલ્ડીંગ બનાવવામાં આવી હતી, જેમાં કુલ 5,708 રહેવાસીઓને અને 597 અનિવાસી એમ કુલ 6,305 લોકોને વસાવવામાં આવ્યા હતા. આ રહેઠાણો રહેવાસીઓને માલિકી હક્કના ધોરણે આપવામાં આવ્યા હતા. જોકે, છેલ્લાં 30 વર્ષમાં રહેવાસીઓએ યોગ્ય દેખરેખ ન કરી હોવાના કારણે બિલ્ડીંગ્સની હાલત જર્જરિત થઇ ગઇ છે.
જોકે નિયમોની અડચણોને પગલે આ બિલ્ડીંગ્સનું રિડેવલપમેન્ટ વિકાસ નિયંત્રણ નિયમાવલી અંતર્ગત શક્ય નહોતો. જેને પગલે સરકારે 33(24) નિયમાવલી બહાર પાડી હતી. જોકે, તેમાં પણ અડચણ ઊભી થઇ હતી અને આ નિયમાવલી અંતર્ગત આ બિલ્ડીંગ્સનું રિડેવલપમેન્ટ થઇ શકે એમ નહોતું. હવે આ બાબતે ગૃહનિર્માણ ખાતાએ નગરાવિકાસ વિભાગને પ્રસ્તાવ મોકલ્યો છે, જે મંજૂર થયા પછી જ બધી ઇમારતોનું રિડેવલપમેન્ટ શક્ય બનશે, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.