ઉત્તરાખંડમાં ભૂસ્ખલન: મહારાષ્ટ્ર સરકાર 120 પ્રવાસીઓનો સંપર્ક કરવામાં સફળ, 31 હજી સંપર્ક બહાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં ધરાલી વિસ્તારમાં ભૂસ્ખલન અને અચાનક પૂર બાદ મહારાષ્ટ્રના 151 પ્રવાસીઓ ફસાઇ ગયાના અહેવાલો બાદ મહારાષ્ટ્ર સરકાર ઉત્તરાખંડ વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે, એવી જાણકારી અધિકારીઓએ આપી હતી. મંગળવારે બપોરે આ વિસ્તારમાં આ આપત્તિ આવી હતી.
અધિકારીઓએ ગુરુવારે સત્તાવાર રીતે એવી માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં, મહારાષ્ટ્રના 120 પ્રવાસીઓનો સંપર્ક કરવામાં સફળતા મળી છે, અને તેઓ ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના કેમ્પમાં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
આપણ વાંચો: ભૂસ્ખલન અને વાદળ ફાટવાના કારણે 199 ના મોત! ઉત્તરાખંડમાં હજી પણ ભારે વરસાદની આગાહી
મહારાષ્ટ્રના મુખ્ય સચિવ રાજેશ કુમારે તેમના ઉત્તરાખંડમાં તેમના સમકક્ષ આનંદ વર્ધન સાથે વાત કરી હતી અને બાકીના 31 પ્રવાસીઓને શોધવા અને તેમના પરત ફરવાની સુવિધા માટે જરૂરી તમામ સહાયની વિનંતી કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, હજુ સુધી સંપર્ક સાધી ન શકાયેલા પ્રવાસીઓમાં થાણેનાં પાંચ, સોલાપુરના ચાર, અહિલ્યાનગરના એક, નાસિકના ચાર, માલેગાંવના ત્રણ, ચારકોપ-કાંદિવલીના છ, મુંબઈ ઉપનગરોના છ અને ટિટવાલાના બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
‘વાદળછાયું વાતાવરણ, નબળી મોબાઇલ કનેક્ટિવિટી અને ચાર્જિંગ સુવિધાઓના અભાવને કારણે, બાકીના પ્રવાસીઓ સાથે સંપર્ક ખોરવાઈ ગયો છે. બર્ધને રાજેશ કુમારને એવી ખાતરી આપી હતી કે આ લોકોને શોધવા અને તેમની સલામતી સુનિશ્ર્ચિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે,’ એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
આપણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવી માર્ગ પર બાણગંગા નજીક ભૂસ્ખલન, અનેક યાત્રીઓ ફસાયા
કુમારે પ્રવાસીઓના પરિવારોને ગભરાવાની જરૂર નથી, એમ કહીને જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહ્યા છે અને ઉત્તરાખંડના અધિકારીઓ સાથે સંપર્કમાં છે. રેલ અથવા હવાઈ પરિવહન દ્વારા પ્રવાસીઓને પાછા લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્ર રાજ્ય આપત્તિ સંચાલન કેન્દ્ર ઉત્તરાખંડની આપત્તિ વ્યવસ્થાપન ટીમો સાથે સક્રિયપણે કામ કરી રહ્યું છે જેથી પરિવારોને સમયસર અપડેટ અને સહાય મળે. ઉત્તરાખંડ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બચાવ કામગીરી ચાલી રહી છે. બધા પ્રવાસીઓને હેલિકોપ્ટર, બસો અને જો જરૂરી હોય તો પગપાળા હર્ષિલ હેલિપેડથી ગંગોત્રી ખસેડવામાં આવશે.
30 યાત્રાળુઓને એસ્કોર્ટ કરવા માટે જવાબદાર આઈટીબીપીની દસ ટીમો તેમના રક્ષણ માટે તૈનાત કરવામાં આવી છે. સેના, એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક બચાવ એકમો પહેલાથી જ અસરગ્રસ્ત વિસ્તારમાં ખડેપગે છે.
સ્પેશિયલ આઈજી રાજીવ સ્વરૂપે સંકલન માટે સેટેલાઇટ ફોન સક્રિય કર્યા છે અને ગુમ થયેલા પ્રવાસીઓના છેલ્લા જાણીતા સ્થાનને શોધવા માટે ટેલિકોમ વિભાગની મદદ લેવામાં આવી રહી છે, એવી પણ માહિતી મળી છે.