ઓબીસી રસ્તા પર ઉતરશે: સરકારના મરાઠા ક્વોટાના નિર્ણય પર કાર્યકર્તા નારાજ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઓબીસી કાર્યકર્તા લક્ષ્મણ હાકેએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્ર સરકારને મરાઠાઓને કુણબી જાતિ પ્રમાણપત્ર આપવાની માગણી સ્વીકારવાનો કોઈ અધિકાર નથી અને ચેતવણી આપી છે કે અન્ય પછાત વર્ગો (ઓબીસી) આ નિર્ણય સામે રસ્તા પર ઉતરશે.
તેમણે પુણેમાં આંદોલન દરમિયાન રાજ્ય સરકારના જીઆરને ફાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે મનોજ જરાંગેની મરાઠાઓને ઓબીસી શ્રેણી હેઠળ અનામત આપવાની માગણી સામે તેમણે અગાઉ આંદોલનો કર્યા હતા.
આપણ વાંચો: મુખ્ય પ્રધાન ફડણવીસે શિંદે અને અજિત પવાર સાથે ચર્ચા કરી
જીઆર અને પાત્ર મરાઠાઓને કુણબી પ્રમાણપત્રો આપવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા, હાકેએ એવો દાવો કર્યો હતો કે સરકારને અનામત અંગે આવો જીઆર જારી કરવાનો કોઈ અધિકાર નથી.
ગેઝેટ એમ નથી કહેતું કે મરાઠા સામાજિક રીતે પછાત છે અને તેમને અનામત આપવી જોઈએ, એવો દાવો તેમણે વધુમાં કર્યો હતો. ‘કોણ કહે છે કે ગેઝેટમાં મહેસૂલ રેકોર્ડ તેમને અનામતના લાભ માટે પાત્ર બનાવે છે?’ એમ તેમણે પુછ્યું હતું.
‘હૈદરાબાદ ગેઝેટ કહે છે કે બંજારા એક અનુસૂચિત જનજાતિ છે. શું સરકાર બંજારાને એસટી હેઠળ અનામત આપશે? સરકારે એક વિવાદ ઉકેલવા માટે 10 અન્ય મુદ્દાઓ ઉભા ન કરવા જોઈએ. ઓબીસી અને વીજેએનટી (વિમુક્ત જાતિ અને વિચરતી જનજાતિ) રસ્તા પર ઉતરશે,’ એવી ચેતવણી હાકેએ ઉચ્ચારી હતી.
આપણ વાંચો: મરાઠા આંદોલનનો ચોથો દિવસ: જરાંગેએ પાણી છોડ્યું
તેમણે કહ્યું હતું કે, રાજકીય નેતાઓએ સમજાવવું જોઈએ કે શું તેઓ ઓબીસી ક્વોટામાં ઘુસણખોરી માટે તૈયાર છે?
આજે નાગપુરમાં ઓબીસી આંદોલનકારીઓને મળશે ફડણવીસ
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગુરુવારે નાગપુરમાં આંદોલનકર્તાઓને મળશે જેઓ મરાઠાઓને અન્ય પછાત વર્ગો (ઓબીસી) શ્રેણી હેઠળ અનામત આપવામાં આવશે તેવી આશંકાને લઈને સાંકળી ભૂખ હડતાળમાં ભાગ લઈ રહ્યા છે, એમ ભાજપના એક સ્થાનિક નેતાએ જણાવ્યું હતું.
રાષ્ટ્રીય ઓબીસી મહાસંઘે 30 ઓગસ્ટથી સંવિધાન ચોક ખાતે સાંકળી ભૂખ હડતાળ શરૂ કરી હતી, જે મનોજ જરાંગેએ મુંબઈના આઝાદ મેદાનમાં બેમુદત ભૂખ હડતાળ કરી હતી તેના જવાબમાં હતા.
આપણ વાંચો: સરકાર ઉકેલ પર કામ કરી રહી છે, વિપક્ષ રાજકારણ કરી રહ્યું છે: ભાજપના પ્રધાન
મહાસંઘના એક પદાધિકારીએ કહ્યું હતું કે, ‘અમે ઇચ્છીએ છીએ કે સરકાર અમારી 14 માગણીઓ પૂર્ણ કરે, જેમાં મરાઠાઓને ઓબીસી શ્રેણીમાં સમાવિષ્ટ ન કરવા અને તમામ મરાઠા સમુદાયના સભ્યોને કુણબી પ્રમાણપત્રો ન આપવાનો સમાવેશ થાય છે. સરકારી પ્રતિનિધિએ આગળ આવીને અમારી સાથે વાતચીત કરવી જોઈએ.’
બુધવારે એક નિવેદનમાં, નાગપુર ભાજપ શહેર પ્રમુખ દયાશંકર તિવારીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ફડણવીસે ઓબીસીના અધિકારોને અકબંધ રાખીને મરાઠા અનામતના મુદ્દા પર સર્વસંમતિ સાધી છે.
‘આ નિર્ણયથી સમાજમાં સંવાદ અને શાંતિનું વાતાવરણ સર્જાયું છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ચોથી સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે સંવિધાન સ્ક્વેર ખાતે ઓબીસી આંદોલનકર્તાઓને મળશે,’ એમ તેમણે કહ્યું હતું.