Maharashtra ભાજપ પર ભડકયા એનસીપી નેતા, કહ્યું ટાર્ગેટ ના કરો નહિતર અલગ સ્ટેન્ડ લઇશું

મુંબઇ: લોકસભા ચૂંટણી 2024ના પરિણામોમાં મહારાષ્ટ્રમાં(Maharashtra)ભાજપ સહિત એનડીએને(NDA) મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ(BJP)અને આરએસએસના(RSS)ઘણા લોકોએ આ માટે અજિત પવારના એનસીપી(NCP) સાથેના ગઠબંધનને જવાબદાર ઠેરવ્યા હતા. હવે એનસીપીએ પણ આનો ખુલ્લેઆમ જવાબ આપ્યો છે. આ સાથે એનસીપીએ ચેતવણી પણ આપી છે કે જો અમને આ રીતે નિશાન બનાવવામાં આવશે તો અમે ગઠબંધન પર અલગ વલણ અપનાવી શકીએ છીએ.
અલગ સ્ટેન્ડ લેવાનું વિચારવું પડી શકે છે
એનસીપી નેતા અમોલ મિતકારીએ કહ્યું, ‘અમને ખબર પડી છે કે ભાજપના ધારાસભ્યો હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવી રહ્યા છે. હું આવા લોકોને કહેવા માંગુ છું કે જો અજિત પવારને આ રીતે જ નિશાન બનાવવામાં આવશે તો અમારે અલગ સ્ટેન્ડ લેવાનું વિચારવું પડી શકે છે.
હાર માટે ભાજપ પર નિશાન સાધ્યું
હકીકતમાં, એવા અહેવાલો હતા કે પરિણામોની સમીક્ષા કરવા માટે બોલાવવામાં આવેલી બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ નબળા પરિણામો માટે અજિત પવાર જૂથ સાથેના જોડાણને જવાબદાર ઠેરવ્યું હતું. હવે NCP નેતાઓ આને લઈને નારાજ છે. એનસીપીના કેટલાક નેતાઓએ હાર માટે ભાજપ પર નિશાન સાધ્યું છે.
એક નેતાએ કહ્યું કે સંઘ સાથે જે થયું તે તેમનો પોતાનો મુદ્દો છે. અજિત પવારના કારણે ભાજપને કોઈ નુકસાન થયું નથી. સંભવ છે કે ભાજપ સામે લોકોના ગુસ્સાથી અમને નુકસાન થયું હોય. ભાજપના નેતાઓ સતત 400 પાર કરવાની અને બંધારણ બદલવાની વાત કરતા હતા. કદાચ આને કારણે જ નુકસાન થયું છે.
એનસીપીએ ડેમેજ કંટ્રોલ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો
એનસીપી નેતાએ કહ્યું કે અજિત પવારનો OBC સમુદાયમાં ઘણો પ્રભાવ છે. આવી સ્થિતિમાં એનસીપીએ ડેમેજ કંટ્રોલ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ ભાજપના કેટલાક નેતાઓ એવા છે કે જે મનમાં આવે તે જ બોલે છે. આવા નેતાઓના કારણે નુકશાન પણ થયું છે.
ગઠબંધનમાં બધુ બરાબર છે
એનસીપીએ કહ્યું કે માત્ર અમે જ નહીં પરંતુ એકનાથ શિંદેની શિવસેના પણ માને છે કે ભાજપના નેતાઓના 400થી વધુના નારાને કારણે આવા પરિણામો આવ્યા છે. એનસીપી નેતા સુનીલ તટકરેએ કહ્યું કે ગઠબંધનમાં બધુ બરાબર છે. અમે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરી છે જેમણે આવું કંઈ કહ્યું નથી.