મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી પરિણામોમાં મહાયુતિ ગઠબંધને સારું પ્રદર્શન કર્યું, ગૃહ મંત્રી અમિત શાહે શુભેચ્છા પાઠવી…

નવી દિલ્હી : મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિ ગઠબંધને સારું પ્રદર્શન કર્યું છે. જેમાં મહાયુતિ ગઠબંધને બીએમસી સહિત મોટાભાગની મ્યુનિસિપલ ચૂંટણીઓ જીતી છે. ભાજપના ઉમેદવારો સૌથી આગળ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભાજપની જીત પર ખુશી વ્યક્ત કરી છે.
આ અંગે અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું, “મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ભાજપ-શિવસેના ગઠબંધનની પ્રચંડ જીત પીએમ મોદીના નેતૃત્વ હેઠળના એનડીએની વિકાસ નીતિઓમાં લોકોનો વિશ્વાસ દર્શાવે છે. આ ઐતિહાસિક સફળતા રાજ્યમાં મહાયુતિ સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસ અને જન કલ્યાણકારી કાર્યોને જનતાની મંજૂરી છે. હું આ જબરદસ્ત સમર્થન માટે મહારાષ્ટ્રના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું.
આ પણ વાંચો…પાલિકા ચૂંટણીઃ ભાજપના 43 અને શિંદે જૂથની શિવસેનાના 18 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
વિજય બદલ હાર્દિક અભિનંદન
અમિત શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ભાજપ પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ અને ભાજપ-શિવસેનાના તમામ કાર્યકરોને આ વિજય બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા.
નીતિન ગડકરીએ પણ શુભેચ્છા પાઠવી
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં મહાયુતિની જીત બદલ અમિત શાહ સહિત ઘણા નેતાઓએ અભિનંદન પાઠવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં બીએમસી સહિત 29 મ્યુનિસિપલ સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપ-શિવસેના(શિંદે) ગઠબંધન આગળ હોવાનું દર્શાવતા ટ્રેન્ડ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમજ પક્ષના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા છે. ગડકરીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું કે વડાપ્રધાન મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્રની પ્રગતિ વધુ મજબૂત બનશે.



