આમચી મુંબઈ

BMC Election 2026: વોટર આઈડી વિના પણ કરી શકશો મતદાન, આ 12 દસ્તાવેજો છે માન્ય…

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આવતીકાલે એટલે કે 15મી જાન્યુઆરી, 2026ના રોજ મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે અન્ય 12 દસ્તાવેજોનો ઉપયોગ કરીને પણ તમારો મત આપી શકો છો.

મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓ માટે આવતીકાલે, ગુરુવાર 15 જાન્યુઆરીના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે અને હવે સૌની નજર મતદાન પર છે. રાજ્યના માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઓળખપત્રના અભાવે કોઈપણ મતદાર મતાધિકારથી વંચિત ન રહેવો જોઈએ.

મતદાન કરવા માટેની પ્રથમ અને અનિવાર્ય શરત એ છે કે તમારું નામ સત્તાવાર મતદાર યાદીમાં હોવું જોઈએ. જો યાદીમાં નામ હોય, પરંતુ તમારી પાસે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલું ઓળખપત્ર (Voter ID) ન હોય, તો પણ તમે મતદાન કરી શકશો.

ઓળખ માટે માન્ય એવા 12 ઓપ્શનલ ડોક્યુમેન્ટ્સ

ચૂંટણી પંચ દ્વારા વોટર આઈડી સિવાય અહીં જણાવવામાં આવેલા 12 દસ્તાવેજોને ઓળખના પુરાવા તરીકે માન્યતા આપવામાં આવી છે.

  1. પાસપોર્ટ
  2. આધાર કાર્ડ
  3. લાયસન્સ
  4. પેન કાર્ડ
  5. સરકારી ઓળખપત્ર: કેન્દ્ર/રાજ્ય સરકાર અથવા જાહેર ક્ષેત્રના એકમો (PSU) દ્વારા કર્મચારીઓને આપવામાં આવેલા ફોટો આઈડી.
  6. બેંક/પોસ્ટ ઓફિસ પાસબુક: રાષ્ટ્રીયકૃત બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરાયેલ ફોટોગ્રાફ સાથેની પાસબુક.
  7. દિવ્યાંગ પ્રમાણપત્ર: સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું ફોટોગ્રાફ સાથેનું પ્રમાણપત્ર.
  8. મનરેગા જોબ કાર્ડ: મનરેગા યોજના હેઠળ અપાયેલું કાર્ડ.
  9. પેન્શન ડોક્યુમેન્ટ્સ: નિવૃત્ત કર્મચારીઓ અથવા તેમના આશ્રિતોના ફોટોગ્રાફ સાથેના પેન્શન કાગળો.
  10. ઓફિશિયલ આઈડી કાર્ડ: લોકસભા, રાજ્યસભા, વિધાનસભા કે વિધાનપરિષદ સચિવાલય દ્વારા જારી કરાયેલ કાર્ડ.
  11. સ્વાતંત્ર્ય સેનાની ઓળખપત્ર: ફોટોગ્રાફ સાથેનું સત્તાવાર કાર્ડ.
  12. આરોગ્ય વીમા સ્માર્ટ કાર્ડ: કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલય દ્વારા જારી કરાયેલ કાર્ડ.

વોટર આઈડી ખોવાઈ ગયું જાય તો આટલું ચોક્કસ કરો

જો તમારું વોટર આઈડી કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા તેમાં કોઈ સુધારો (નામ, સરનામું, ઉંમર) કરાવવો હોય, ચૂંટણી પંચની ઓફિશિયલ વેબસાઈટ voters.eci.gov.in પર જઈને Form 8 ભરી શકાય છે. કાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તેની કોપી મેળવી શકાય છે. ત્યાર બાદ 25 રૂપિયાની ફી ભરીને આ રસીદ ઇલેક્શન રજિસ્ટ્રાર ઓફિસમાં રજૂ કરી શકાય છે.

આ હેલ્પલાઈન પર પણ માગી શકો છો મદદ

મતદાન અંગેની કોઈપણ મૂંઝવણ કે ફરિયાદ માટે નાગરિકો 1950 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે અથવા ‘નેશનલ ગ્રીવન્સ સર્વિસીસ પોર્ટલ’ પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. મતદાન એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. તમારી પાસે જે પણ માન્ય ઓળખપત્ર હોય તે લઈને આવતીકાલે અચૂક મતદાન કરો અને વિકાસને વેગ આપો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button