આમચી મુંબઈ

મહારાષ્ટ્રની ૨૯ મહાનગરપાલિકામાં ૧૫,૯૩૧ ઉમેદવાર ચૂંટણીનો જંગ લડશે

મુંબઈમાં૧,૭૦૦ ઉમેદવાર મેદાનમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યની ૨૯ મહાનગરપાલિકાની ચૂંટણી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ યોજાઈ રહી છે ત્યારે ચૂંટણી માટે મેદાનમાં હવે ૧૫,૯૩૧ ઉમેદવારો જંગ લડવાના છે, જેમાં મુંબઈમાં ૨૨૭ બેઠકો માટે ૧,૭૦૦ ઉમેદવારો ચૂંટણી લડવાના છે. તો મુંબઈના પડોશી શહેર થાણેમાં ૨૬૩ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા હતા.

રાજ્યના ચૂંટણી કમિશને શનિવારે આપેલી માહિતી મુજબ કુલ ૩૩,૨૪૭ નોમિનેશન ફોર્મ ભરાયા હતા, જેમાં ફોર્મની સ્ક્રુટીની બાદ ૨૪,૭૭ ચૂંટણી લડવા પાત્ર રહ્યા હતા. શનિવારે, બે જાન્યુઆરી, ૨૦૨૬ના ઉમેદવારી પાછી ખેંચવાના દિવસે બપોરના ત્રણ વાગ્યાની મુદત સુધીમાં કુલ ૮,૮૪૦ ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્રક પાછું ખેંચી લીધું હતું.

રાજ્યમાં ૨૯ મહાનગરપાલિકામાં કુલ ૮૯૩ વોર્ડમાં આવેલી ૨,૮૬૩ બેઠક માટે ચૂંટણી થવાની છે, જેમાં મુંબઈની ૨૨૭ બેઠકોનો સમાવેશ થાય છે.

દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈ મહાનગરપાલિકાનું નાણાકીય બજેટ દેશના અનેક નાના રાજ્યો કરતા પણ મોટું હોય છે, તેથી તમામ રાજકીય પક્ષો આ વર્ષે મુંબઈ મહાનગરપાલિકાને પોતાના કબજામાં કરવાના પ્રયાસમાં છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કુલ ૨,૫૧૬ ઉમેદવારી પત્રક ભરાયા હતા, તેમાંથી સ્ક્રુટીની બાદ ૨,૧૫૩ ઉમેદવારી પત્રક ચૂંટણી લડવા માટે પાત્ર ઠર્યા હતા. શુક્રવાર, બે ડિસેમ્બરના ઉમેદવારી પાછા ખેંચવાના દિવસે બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ૪૫૩ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રક પાછા ખેંચ્યા હતા. તેથી હવે ૧૫ જાન્યુઆરીના ૧,૭૦૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડાશે.

ચૂંટણી પંચે આપેલી માહિતી મુજબ રાજ્યની ૨૯ મહાનગરપાલિકામાં સૌથી વધુ ઉમેદવારી પાછી ખેંચવાનું પ્રમાણ પુણે મહાગરપાલિકામાં જોવા મળ્યું હતું. અહીં કુલ ૩,૦૬૧ ઉમેદવારી પત્રક દાખલ થયા હતા, તેમાંથી સ્ક્રુટીની બાદ ૨,૧૩૪ ઉમેદવારો ચૂંટણી માટે પાત્ર ઠર્યા હતા. શુક્રવારે ઉમેદવારી પાછી ખેંચવાના દિવસે ૯૬૮ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. તેથી હવે ૪૧ વોર્ડમાં ૧૬૫ બેઠક માટે ૧,૧૬૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડાશે.

વિદર્ભની સૌથી મોટી મહાનગરપાલિકા ગણાતી નાગપુર મહાનગરપાલિકામાં ૩૮ વોર્ડમાં ૧૫૧ સીટ માટે ૧,૪૪૨ નોમિનેશન ફોર્મ આવ્યા હતા, જેમાં ૧,૨૯૩ ચૂંટણી લડવા પાત્ર ઠર્યા હતા. તો ૩૦૦ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા હતા. તેથી મેદાનમાં હવે ૯૯૩ ઉમેદવારો ચૂંટણી લડવા બાકી રહ્યા છે.

નાશિકમાં ૬૬૧, સોલાપુરમાં ૫૩૨, છત્રપતિ સંભાજી નગરમાં ૫૫૨ અને પિંપરી-ચિંચવડમાં ૪૪૩ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા હતા. થાણેમાં ૨૬૩ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા મેદાનમાં હવે ૬૫૬ ઉમેદવાર બાકી રહ્યા છે. તો નવી મુંબઈમાં ૨૬૨ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લેતા ચૂંટણી હવે ૪૯૯ ઉનમેદવારો વચ્ચે થવાની છે. વસઈ-વિરારમાં ૨૮૬ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા મેદાનમાં હવે ૫૪૭ ઉમેદવાર બાકી રહ્યા છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button