આમચી મુંબઈમહારાષ્ટ્ર

ધારાવી પુનઃવિકાસ માટે મુલુંડ મીઠાના અગરની જમીનના ટ્રાન્સફરને પડકારતી PIL HCમાં દાખલ

મુંબઈ: મુંબઇમાં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતા ધારાવીની કાયાપલટ થવાની છે. ધારાવીનું રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ માટે કેન્દ્ર સરકારે મુલુંડમાં આવેલી મીઠાના અગર (સોલ્ટ-પાન)ની કેટલીક જમીન મહારાષ્ટ્ર સરકારને ટ્રાન્સફર કરી છે. આ જમીનનો ઉપયોગ ધારાવીના રહેવાસીઓના પુનર્વસન માટે થવાનો છે, જેનો મુંલુંડના નાગરિકો વિરોધ કરી રહ્યા છે અને વકીલ સાગર દેવરે આ અંગે બોમ્બે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્ર સરકારને લીઝ પર કન્જુરમાર્ગ, ભાંડુપ અને મુલુંડમાં ત્રણ સોલ્ટ-પાન લેન્ડ પાર્સલ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપ્યાના કેટલાક દિવસો બાદ દેવરેએ હાઇ કોર્ટમાં આ અરજી દાખલ કરી હતી.

તેમની અરજીમાં મુંબઈના રહેવાસી સાગર દેવરેએ જણાવ્યું હતું કે મીઠાના અગરની જમીનો દરિયાકાંઠાના ઇકોસિસ્ટમનો અત્યંત સંવેદનશીલ ભાગ છે, જેમાં મેન્ગ્રોવ્સ, વેટલેન્ડ્સ અને નદીના મુખોનો પણ સમાવેશ થાય છે અને ઘણા અગરિયાઓની આજીવિકા તેના પર નિર્ભર છે. મીઠાના અગરની જમીનના નીચાણવાળા વિસ્તારોમાં છે, તે ચોમાસા દરમિયાન વરસાદને પાણીને શોષવા અને મુંબઈમાં વધુ પડતા પૂરને રોકવા માટે સ્પોન્જ તરીકે કામ કરે છે.

ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ (DRPPL) એ રાજ્ય સરકાર અને અદાણી જૂથ દ્વારા રચવામાં આવેલ એક ખાસ હેતુ માટેનું એકમ છે, જે રાજ્ય સરકાર હસ્તગત સોલ્ટ-પાન જમીનનો ઉપયોગ ધારાવીમાં પુનઃવિકાસિત ઘરો મેળવવા માટે અયોગ્ય એવા રહેવાસીઓ માટે પોસાય તેવા ઘરોના વિકાસ માટે કરવાની યોજના ધરાવે છે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ વિસ્તારના સોલ્ટ-પાનના વિસ્તારથી થોડા અંતરે પ્રોજેક્ટથી પ્રભાવિત લોકો માટે વસાહતનું બાંધકામ શરૂ કર્યું છે. અહીંના રહેવાસીઓનું કહેવું છે કે મુલુંડ પૂર્વ તેની શાંતિ માટે પ્રખ્યાત છે. 2005ના પૂર દરમિયાન પણ, મુલુંડ પૂર્વમાં મીઠાના અગર બફર તરીકે હોવાથી પૂરને કારણે બહુ અસર થઈ ન હતી. જો ત્યાં બહુમાળી ઇમારતો આવે તો તે વિનાશ સર્જી શકે છે. વસ્તીમાં અચાનક વધારો મુલુંડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ પડતો બોજ લાવી શકે છે. મળતી માહિતી મુજબ ધારાવી રિડેવલપમેન્ટ ઓથોરિટી (DRA)અહીં ત્રણ લાખ મકાનો બાંધશે. આ પછી મુલુંડ પૂર્વની વસ્તી 10 ગણી વધી જશે. હાલમાં અહીંની વસ્તી લગભગ 1.5 લાખ છે. અહીંના રહેવાસીઓનું માનવું છે હાલના રસ્તાઓ, પાણી પુરવઠા સિસ્ટમ, ડ્રેનેજ સિસ્ટમ આ વધતો ભાર સહન કરી શકે તેમ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button