મહારાષ્ટ્ર સરકારે 1.08 લાખ કરોડ રૂપિયાના સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કર્યા, 47,000 સીધી નોકરીઓનું સર્જન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે માહિતી ટેકનોલોજી, ફૂડ પ્રોસેસિંગ, વેરહાઉસિંગ, ડેટા સેન્ટર્સ અને લોજિસ્ટિક્સ હબ જેવા ક્ષેત્રોમાં રૂ. 1,08,599 કરોડના રોકાણ માટેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા, જેનાથી 47,000 સીધી નોકરીઓનું સર્જન થશે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
રાજ્યના આર્થિક વિકાસમાં રોકાણકારો અને ઉદ્યોગ ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, એમ ફડણવીસે ખાતરી આપતા કહ્યું કે તેમની સરકાર તેમની અપેક્ષાઓ પૂર્ણ કરશે.
આ સંદર્ભમાં મુખ્ય પ્રોજેક્ટ્સમાં એમજીએસએ રિયલ્ટી દ્વારા ઔદ્યોગિક વેરહાઉસ, ડેટા સેન્ટર્સ અને લોજિસ્ટિક્સ હબમાં રૂ. 5,000 કરોડનું રોકાણ કરવાનો સમાવેશ થાય છે, જેનાથી 10,000 નોકરીઓનું સર્જન થશે.
આપણ વાંચો: મહારાષ્ટ્રે 61 એમઓયુ પર હસ્તાક્ષર કર્યા, 15.70 લાખ કરોડ રૂપિયાનું રોકાણ, 16 લાખ નોકરીઓ: ફડણવીસ
લોઢા ડેવલપર્સ લિમિટેડ થાણે જિલ્લાના અંબરનાથમાં 30,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે ગ્રીન ઇન્ટિગ્રેટેડ ડેટા સેન્ટર પાર્ક સ્થાપશે. તેનાથી 6000 નોકરીઓનું સર્જન થશે.
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ નાગપુર જિલ્લાના કમલેશ્ર્વર લિંગા ખાતે ઇન્ટિગ્રેટેડ કોલ સરફેસ ગેસિફિકેશન ડાઉનસ્ટ્રીમ ડેરિવેટિવ્ઝ પ્રોજેક્ટમાં 70,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે, જેનાથી 30,000 નોકરીઓનું સર્જન થશે, જ્યારે પોલીપ્લેક્સ કોર્પોરેશન લિમિટેડ નંદુરબારમાં પોલિમર પ્રોડક્ટ્સ પ્રોજેક્ટમાં 2,086 કરોડ રૂપિયાનું રોકાણ કરશે જે 600 લોકોને રોજગાર આપશે.
રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ નાગપુર જિલ્લાના કાટોલ ખાતે 1,513 કરોડ રૂપિયાના રોકાણ સાથે ઇન્ટિગ્રેટેડ ફૂડ અને બેવરેજીસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપશે, જેનાથી 500 નોકરીઓનું સર્જન થશે.