મરાઠીમાં ન બોલવા બદલ ‘હિન્દુઓ’ને નિશાન બનાવવા બદલ મહારાષ્ટ્રના પ્રધાને વાંધો ઉઠાવ્યો
તાકાત હોય તો નળ બજાર કે મોહમ્મદ અલી રોડ પર આવી મારપીટ કરવાનો મનસે સૈનિકોને પડકાર ફેંક્યો: આમિર ખાન-જાવેદ અખ્તર પાસે મરાઠી બોલાવવાનો પડકાર ફેંક્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન નિતેશ રાણેએ મનસે સમર્થકો દ્વારા મરાઠીમાં ન બોલવા બદલ ‘હિન્દુ પુરુષો’ સાથે કથિત રીતે મારપીટ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને એવો સવાલ કર્યો હતો કે શું ‘ટોપી પહેરનારા’ લોકો સારી મરાઠી બોલે છે?
તેઓ એક વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા જેમાં રાજ ઠાકરેની આગેવાની હેઠળના મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો રાજ્યની રાજધાનીની પાડોશમાં આવેલા ભાયંદરમાં એક દુકાનદારને મરાઠીમાં બોલવાનો ઇનકાર કરવા બદલ માર મારતા જોવા મળી રહ્યા છે.
‘એક હિન્દુ પુરુષને માર મારવામાં આવ્યો…. ગરીબ હિન્દુઓ પર હુમલો કેમ થઈ રહ્યો છે? જો તમારી પાસે હિંમત હોય, તો નળ બજાર અથવા મોહમ્મદ અલી રોડ જઈને ત્યાં તમારી તાકાત બતાવો,’ એમ રાણેએ ગુરુવારે વિધાનસભા સંકુલમાં કહ્યું હતું.
આ પણ વાંચો: મરાઠી ન બોલવા બદલ મારપીટ:પોલીસે તાબામાં લીધેલા મનસેના સાત કાર્યકર્તાને નોટિસ આપીને જવા દેવાયા…
નળ બજાર અથવા મોહમ્મદ અલી રોડ દક્ષિણ મુંબઈમાં આવેલા મુખ્યત્વે મુસ્લિમ વિસ્તારો છે.
‘શું મોહમ્મદ અલી રોડ (વિસ્તાર)માં દાઢી અને ટોપીવાળા લોકો શુદ્ધ મરાઠી બોલે છે? શું જાવેદ અખ્તર કે આમિર ખાન ક્યારેય મરાઠી બોલે છે? તમારી પાસે તેમને મરાઠીમાં બોલાવવાની હિંમત નથી, પરંતુ તમે ગરીબ હિન્દુઓ પર હુમલા કરવાનું પસંદ કરો છો,’ એમ તેમણે કહ્યું હતું.
હિન્દી ભાષાને લઈને કરવામાં આવી રહેલો વિવાદ હિન્દુઓને વિભાજીત કરવાનું કાવતરૂં છે એવો દાવો નિતેશ રાણેએ કર્યો હતો.
‘આ દેશને ઇસ્લામિક રાજ્યમાં ફેરવવાનું કાવતરું છે. લવ જેહાદ, લેન્ડ જેહાદ અને અન્ય યુક્તિઓ દ્વારા, મુંબઈમાં હિન્દુઓની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ હિંસા એ જ રણનીતિનો એક ભાગ છે. તમે માલવણીમાં કેમ નથી જતા અને ત્યાંના લોકો પર હુમલો કેમ નથી કરતા? શું તેઓ શુદ્ધ મરાઠીમાં બોલે છે?’ એવા આકરા સવાલ ભાજપ નેતાએ કર્યા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનો વિવાદ વકર્યો, સુશિલ કેડિયાએ રાજ ઠાકરેને પડકાર ફેંક્યો
હાલની સરકાર હિન્દુઓની એકતા દ્વારા ચૂંટાઈ આવી છે અને હિન્દુત્વ વિચારધારામાં તેમના મૂળ ધરાવે છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે, ‘જો કોઈ આવા કામ કરવાની હિંમત કરશે, તો અમારી સરકાર પણ તેમને યોગ્ય જવાબ આપશે.’
બીજી તરફ રાણેના કેબિનેટ સાથી અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના નેતા પ્રતાપ સરનાઈકે પણ મનસે પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે, મરાઠી પર તેનો એકાધિકાર નથી.
‘શું ફક્ત મનસેને જ મરાઠી ભાષા માટે લડવાનો અધિકાર છે? જો કોઈ રાજકીય કે આર્થિક ફાયદા માટે કાયદો હાથમાં લઈ રહ્યું હોય અને શ્રમજીવી વર્ગની વ્યક્તિઓને ટાર્ગેટ બનાવવામાં આવતા હોય, તો તે સહન કરવામાં આવશે નહીં,’ એમ સરનાઈકે કહ્યું હતું, જેમના મતદારસંઘમાં મીરા-ભાઈંદરનો કેટલોક ભાગ આવે છે.
આ પણ વાંચો: મરાઠી મુદ્દે મારપીટઃ હિંસાના વિરોધમાં મીરા-ભાયંદરમાં દુકાનો બંધ
‘અમને મરાઠી હોવાનો અને અમારી હિન્દુત્વની ઓળખનો પણ ગર્વ છે. અમે આવી ઘટનાઓ સહન કરીશું નહીં. વેપારીઓને ધમકાવવા જોઈએ નહીં. મેં પોલીસને કાર્યવાહી કરવા કહ્યું હતું અને તેમણે તેમ કર્યું છે,’ એમ પણ તેમણે કહ્યું હતું.
ભાયંદરમાં દુકાનદાર પર હુમલો કરવામાં આવી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો, ત્યારે બીજા વાયરલ વીડિયોમાં શિવસેના (યુબીટી)ના નેતા રાજન વિચારેની હાજરીમાં બે વ્યક્તિઓને એક વ્યક્તિની માફી માગવા માટે કહેવામાં આવી રહ્યું હતું અને તેમાંથી એકને ‘પીડિત’ દ્વારા થપ્પડો મારવામાં આવી હતી.
‘તમે એક મરાઠી વ્યક્તિને માર્યો હોવાથી મરાઠીમાં બોલો,’ એમ બે માણસોમાંથી એકનો અવાજ સંભળાય છે જે થાણેના ભૂતપૂર્વ સાંસદ વિચારેને કંઈક કહેવાનો પ્રયાસ કરે છે.