Maharashtra Marathwada: Record 685 Farmer Suicides in 2023
આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં ખેડૂતો માટે કાળ બન્યો 2023

અત્યાર સુધી 685 ખેડૂતોએ કરી આત્મહત્યા

નાગપુરઃ મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી થવાના કોઇ સંકેત દેખાઈ રહ્યા નથી. મરાઠવાડામાં દુષ્કાળ ખેડૂતો માટે મોટી સમસ્યા છે. મરાઠવાડા હાલમાં 20.7 ટકા વરસાદની ખાધનો સામનો કરી રહ્યું છે. અહીના વિભાગીય કમિશનર કચેરીના અહેવાલમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. ખરાબ પાક, ઓછો વરસાદ, લોનની ચુકવણીના દબાણ અને નબળી આર્થિક સ્થિતિને કારણે એકલા વર્ષ 2023માં 685 ખેડૂતોએ આત્મહત્યા કરી છે, મતલબ કે મરાઠવાડામાં રોજના સરેરાશ ત્રણ ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે. આમાંથી 294 મૃત્યુ એકલા ચોમાસાના ત્રણ મહિનામાં (જૂનથી ઓગસ્ટ)માં થયા છે. આશ્ચર્યની વાત એ છે કે આ આંકડો માત્ર 31 ઓગસ્ટ સુધીનો છે, જેના કારણે અધિકારીઓ અને સરકારની ચિંતા વધી ગઈ છે.

મધ્ય મહારાષ્ટ્રના મરાઠવાડાના સૂકા પ્રદેશમાં ઔરંગાબાદ, જાલના, બીડ, પરભણી, નાંદેડ, ઉસ્માનાબાદ, હિંગોલી અને લાતુર એમ આઠ જિલ્લાઓનો સમાવેશ થાય છે. સૌથી વધુ મૃત્યુ બીડ જિલ્લામાં થયા છે, જ્યાં અત્યાર સુધીમાં 186 ખેડૂતોના મોત થયા છે. બીડ એ મહારાષ્ટ્રના વર્તમાન કૃષિ પ્રધાન ધનંજય મુંડેનો હોમ જિલ્લો છે.


મુંડે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના અજિત પવાર જૂથનો એક ભાગ છે, જેમણે તાજેતરમાં શરદ પવારના નેતૃત્વને નકારીને સીએમ એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. મુંડેને બે અઠવાડિયા પછી જ શિંદે સરકારમાં કૃષિ મંત્રાલયની જવાબદારી મળી હતી.

રાજ્યમાં કોઇની પણ સરકાર હોય, પણ મરાઠવાડાના ખેડૂતોને અને લોકોને રાહત મળતી નથી. તેમના નસીબમાં તો દુકાળ અને હાડમારી જ લખાયેલી છે.

સંબંધિત લેખો

Back to top button