
મુંબઈ: મહારાષ્ટ્રની શિંદે સરકાર મરાઠા અનામત અંગે મહત્વનો નિર્ણય લઇ શકે છે, અહેવાલો મુજબ ચાર દાયકા જૂના સંઘર્ષનો અંત લાવવા માટે મરાઠાઓને 10થી 12 ટકા અનામત આપવામાં આવી શકે છે. એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારે આ માટે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જેને મંગળવારે યોજાનારા રાજ્ય વિધાનસભાના એક દિવસીય વિશેષ સત્રમાં મંજૂરી મળી શકે છે.
અનામત અંગે મરાઠા સમુદાયમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દા અંગે ચર્ચા કરવા બોલાવવામાં આવેલું રાજ્ય વિધાનસભાનું વિશેષ સત્ર રાજ્યપાલ રમેશ બૈસના સંબોધન સાથે શરૂ થશે. ત્યારબાદ રાજ્ય પછાત વર્ગ આયોગનો અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવશે. જેમાં મરાઠાઓને પછાત જાહેર કરીને તેમને અનામત આપવાની ભલામણ કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા મુજબ કે રાજ્ય સરકારે મરાઠા અનામતનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે અને તેને વિધાનસભામાં રજૂ કરતા પહેલા મંગળવારે સવારે રાજ્ય કેબિનેટની બેઠકમાં મંજૂર કરવામાં આવશે.
અહેવાલો મુજબ, અગાઉ જે ક્ષતિઓના આધારે સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતને રદ કર્યું હતું, તેને ડ્રાફ્ટમાં દૂર કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે કહ્યું હતું કે મરાઠા સમુદાય માટે અનામતને ટકાઉ અને કાયદાની મર્યાદામાં રાખવા માટે વિધાનસભાના વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ઓબીસી અથવા અન્ય સમુદાયના અનામતને નુકસાન પહોંચાડ્યા વિના મરાઠા સમુદાયને અનામત આપવામાં આવશે. નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું છે કે અમે એવું આનામત આપીશું જે મનોજ જરાંગેને સ્વીકાર્ય હોય કે ન હોય પણ મરાઠાઓને સ્વીકાર્ય હોય.
મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટીલે સોમવારે તમામ મરાઠા વિધાનસભ્યોને સર્વસંમતિથી અનામતને સમર્થન આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે જો સમાજના વિધાનસભ્યો અનામત અંગે અવાજ નહીં ઉઠાવે તો સમજાશે કે તેઓ મરાઠા વિરોધી છે. તેમણે કહ્યું કે જો માંગણીઓ પૂરી નહીં થાય તો 21મી ફેબ્રુઆરીથી નવી રીતે આંદોલન શરૂ કરીશું.