મહારાષ્ટ્ર સરકાર મહિલા સહકારી મંડળીઓને વિકાસ કાર્યો ફાળવવાનું વિચારી રહી છે: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર રજિસ્ટર્ડ મહિલા સહકારી મંડળીઓને 10 લાખ રૂપિયા સુધીના વિકાસ કાર્યો સોંપવાનું વિચારી રહી છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે વિધાનસભામાં જણાવ્યું હતું.
‘હાલના જાહેર બાંધકામ વિભાગની માર્ગદર્શિકા મજૂર સહકારી મંડળીઓ, શિક્ષિત બેરોજગાર ઇજનેરો અને લાયક નોંધાયેલા કોન્ટ્રાક્ટરોને આવા કામો ફાળવે છે,’ એમ બીડ જિલ્લાના માજલગાંવમાં સિંચાઈ સંબંધી કામોની ફાળવણી અંગે વિધાનસભ્ય પ્રકાશ સોલંકે દ્વારા રજૂ કરાયેલી ધ્યાનાકર્ષક નોટિસનો જવાબ આપતા ફડણવીસે જણાવ્યું હતું.
આપણ વાંચો: મહારાષ્ટ્ર સરકાર સ્મશાનભૂમિની સુવિધાઓ વધારવા માટે 90 દિવસનો કાર્યક્રમ અમલમાં મૂકશે: ઉદય સામંત
ફડણવીસે કહ્યું હતું કે, સરકારે મહિલા સહકારી મંડળીઓની નોંધણીને પહેલાથી જ મંજૂરી આપી દીધી છે અને હવે તેમને વિકાસ કરારના વિતરણમાં સામેલ કરવાનો ઇરાદો ધરાવે છે.
તેમણે કહ્યું કે વિકાસ પ્રોજેક્ટ્સના વિતરણમાં વધુ પારદર્શિતા સુનિશ્ર્ચિત કરવા માટે જનપ્રતિનિધિઓની એક સમિતિની રચના કરવામાં આવશે અને સમિતિની ભલામણોના આધારે ફાળવણીની પ્રક્રિયા સુવ્યવસ્થિત કરવામાં આવશે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર સરકાર વિધાનસભા ચૂંટણી પહેલા 6.94 કરોડ રૂપિયાના નકલી જીઆરની તપાસ કરી રહી છે
આ જ સૂચનાના જવાબમાં જળ સંસાધન ખાતાના પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલ (ગોદાવરી અને કૃષ્ણા ખોરે વિકાસ નિગમ)એ જણાવ્યું હતું કે માજલગાંવ સિંચાઈ વિભાગ 66 પ્રોજેક્ટ્સનું સંચાલન કરે છે, જેમાં છ મધ્યમ, ત્રેપન નાના અને સાત કોલ્હાપુરી પ્રકારના બંધનો સમાવેશ થાય છે, જે સામૂહિક રીતે 87,993 હેક્ટર સિંચાઈ વિસ્તારને સેવા આપે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિભાગના કાર્યકારી ઇજનેરે 148 તાત્કાલિક કામોની યાદી મંજૂર કરી હતી, જેમાં દરેકનું મૂલ્ય 10 લાખ રૂપિયાથી ઓછું હતું. આ કામો કેવી રીતે ફાળવવામાં આવ્યા તે અંગે તપાસ કરવામાં આવશે અને 15 દિવસમાં રિપોર્ટ સુપરત કરવાનો રહેશે. તારણોના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.