…આટલા માટે મોદીને મત આપોઃ ફડણવીસે લોકોને કરી જબરી અપીલ
મુંબઈ: લોકસભાની ચૂંટણી ટાણે પાર્ટીના નેતાઓ વિવિધ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે, જેમાં તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મોદીને મત આપવા માટે સૌથી મોટો દાવો કર્યો હતો. સોલાપુર ખાતે પ્રચારસભાને સંબોધતા વખતે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કોરોનાકાળ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા કાર્યોની યાદ અપાવીને લોકો પાસેથી મત માગ્યા હતા અને મોદી માટે મતદાન કરવાની અપીલ કરી હતી.
ફડણવીસે કહ્યું હતું કે કોવિડ-19 દરમિયાન વડા પ્રધાન મોદીએ બધા માટે કોવિડની રસીને ઉપલબ્ધ કરાવી અને તેના કારણે લોકોના જીવ બચ્યા. તેમણે ફક્ત પોતાની રસી વિકસાવી આપણા લોકોને જ ન આપી, પરંતુ આખા વિશ્વને તે રસી પૂરી પાડી હતી, એમ કહીને ફડણવીસે ‘વેક્સિન મૈત્રી’ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.
આ ઉપરાંત આતંકવાદના મુદ્દા વિશે કહેતા તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી સત્તામાં આવ્યા તે પહેલા દેશ મજબૂત સ્થિતિમાં નહોતો. પાકિસ્તાનમાંથી કોઇ પણ સહેલાઇથી દેશમાં ઘૂસી જતું હતું અને આતંકવાદી હુમલા કરતું હતું. એ વખતે એ વખતના વડા પ્રધાન અમેરિકા જઇને પાકિસ્તાનની ફરિયાદ કરતા હતા, પરંતુ તેનાથી કંઇ વળતું નહોતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યાર બાદ આતંકવાદનો જડબાતોડ જવાબ આપવા માટે સર્જિકલ સ્ટ્રાઇક જેવી કાર્યવાહી કરવામાં આવી.
ભારતમાં આતંકવાદ ફેલાવતા પાકિસ્તાનની કંગાળ હાલત વિશે કહેતા ફડણવીસે કહ્યું હતું કે આજે ભારત સમૃદ્ધ થઇ રહ્યું છે, જ્યારે પાકિસ્તાન કંગાળી તરફ આગળ વધી રહ્યું છે.
ફડણવીસ સોલાપુરના બારસી અને માઢા લોકસભા બેઠક માટે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે વડા પ્રધાન મોદીના કાર્યોની પ્રશંસા કરી હતી. તે એનસીપી(અજિત પવાર) અને ભાજપના રણજિત સિંહ નિંબાળકરનો પ્રચાર કરી રહ્યા હતા.