મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે, મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે મુકાબલો

મુંબઈ : મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે યોજાયેલા મતદાનનું આજે પરિણામ જાહેર થશે. રાજ્યની 246 નગર પરિષદ અને 42 નગર પંચાયત મળીને કુલ 288 નગર પરિષદો-પંચાયતો માટે મતગણતરી સવારે 10 વાગ્યાથી શરૂ થશે જેમાં પ્રથમ તબક્કામાં 263 નગર પરિષદો-પંચાયતો માટે મતદાન યોજાયું હતું. બાકીની નગર પરિષદો અને નગર પંચાયતોના પ્રમુખ અને સભ્ય પદો તેમજ આ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં 143 ખાલી સભ્ય પદો માટે મતદાન શનિવારે યોજાયું હતું.
સત્તાધારી ગઠબંધન મહાયુતિ અને વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી વચ્ચે મુકાબલો
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામોમાં મુખ્ય મુકાબલો સત્તાધારી ગઠબંધન મહાયુતિ અને વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી વચ્ચે છે. જોકે, અમુક સ્થળોએ એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીના સભ્યો સત્તાધારી પક્ષના ગઠબંધન વિરુદ્ધ ચૂંટણી લડ્યા છે.
નાગપુરની 27 નગર પરિષદો અને નગર પંચાયતોના પરિણામ
આજે જાહેર થનારા પરિણામોમાં નાગપુરની 27 નગર પરિષદો અને નગર પંચાયતો માટે મતગણતરી યોજાશે. જેમાં 27 નગર પ્રમુખો અને 537 સભ્યોનું ભાવિ નક્કી થશે. કુલ 7,29,822 મતદારોમાંથી 4,47,011 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં 2,28,186 પુરુષો, 2,18,823 મહિલાઓ અને બે અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
ચૂંટણીના પરિણામો રાજકીય રીતે મહત્વપૂર્ણ
મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં જાન્યુઆરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાવાની છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ માટે મહત્વના છે.
આપણ વાંચો: પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટરોની જપ્ત કરેલી મિલકતની લિલામી મોકુફ…



