મહારાષ્ટ્રની ખાલીખમ તિજોરી ભરવા દારૂ મોંઘો કરવાની તૈયારી!
લાડકી બહેન યોજના સહિતની કલ્યાણકારી સ્કીમ્સને લીધે રાજ્યનું દેવું આઠ લાખ કરોડ રૂપિયાને પાર: હવે મહેસુલ વધારવા વિવિધ વિકલ્પો ચકાસવા પાંચ સભ્યની વિશેષ સમિતિ રચાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લાડકી બહેન યોજના સહિત અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી હતી. આની અસર રાજ્યની તિજોરી પર પડે તે સ્વાભાવિક છે. રાજ્યની તિજોરી પરનો ભાર ઓછો કરવાનો ભાર મહારાષ્ટ્રના દારૂ પ્રેમીઓ પર આવવાની શક્યતા છે. કારણ કે રાજ્ય સરકાર તિજોરી પરનો બોજ ઓછો કરવા માટે કેટલાક માર્ગ શોધી રહી છે. જેના ભાગરૂપે, રાજ્યની મહાયુતિ સરકાર આગામી દિવસોમાં દારૂ અને સિગારેટ પર કરવેરા વધારવાની શક્યતા છે.
આ પણ વાંચો : વિકાસના ઢોલનગારા પણ મહારાષ્ટ્રમાં શિક્ષણની છે આ સ્થિતિઃ ડ્રોપ બૉક્સનો આંકડો ચોંકાવનારો
રાજ્ય સરકારે મહેસૂલમાં વધારો કરીને રાજ્યની આવક વધારવાના નવા રસ્તાઓ શોધવા માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે, જેની જાહેરાત મુખ્ય પ્રધાને ચંદ્રપુરમાં આયોજિત કાર્યક્રમમાં કરી હતી. આ સમિતિ આવક પેદા કરવાના નવા માર્ગ તરીકે દારૂનું ઉત્પાદન અને વેચાણ કરવા પર વેરા કેવી રીતે લાગુ કરી શકાય તેની શક્યતાનો અભ્યાસ કરશે.
ગૃહ વિભાગના એડિશનલ સેક્રેટરીના નેતૃત્વ હેઠળની આ સમિતિ આવક વધારવા માટે રાજ્યની દારૂ નીતિનો અભ્યાસ કરશે. આ ઉપરાંત, નાણાં અને રાજ્ય આબકારી વિભાગના એડિશનલ સેક્રેટરીઓ, રાજ્યના જીએસટી કમિશનર અને એક્સાઈઝ કમિશનર આ સમિતિના સભ્યો હશે.
તેઓ સાથે મળીને દારૂનું ઉત્પાદન, દારૂના વેચાણના લાઇસન્સ, એક્સાઇઝ ડ્યુટી અને અન્ય રાજ્યો દ્વારા અપનાવવામાં આવેલી મહેસૂલ એકત્ર કરવાની પદ્ધતિઓ અને નીતિઓનો અભ્યાસ કરશે. આ સમિતિ રાજ્યની મહેસૂલી આવક વધારવાના પગલાં અંગે ભલામણો કરે તેવી અપેક્ષા છે. આ સાથે રાજ્ય સરકાર દારૂના ગેરકાયદે વેચાણને રોકવા અને મહત્તમ દારૂ વેચાણ લાઇસન્સ આધારિત વિતરણ કરવાનો ઇરાદો ધરાવે છે.
વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોએ મોટી જાહેરાતો કરી હતી. મહાયુતિએ ચૂંટણી પહેલાં ઘણાં વચનો પણ આપ્યા હતા. લાડકી બહેન અને આવી અન્ય યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી. હવે જ્યારે રાજ્યમાં મહાયુતિની સરકાર બની ગઈ છે, ત્યારે તે વચનો પૂરા કરવા પડશે. લાડકી બહેન યોજનાનું ઉદાહરણ લઈએ તો, આ યોજના માટે દર વર્ષે 46,000 કરોડ રૂપિયાના ભંડોળની જરૂર પડશે.
આમાં, રાજ્ય સરકારે લાડકા ભાઈ યોજના હેઠળ આપવામાં આવતી રકમ 1,500 રૂપિયાથી વધારીને 2,000 રૂપિયા કરવા માટે બીજા 600 કરોડ રૂપિયાની જરૂર પડશે. આ સાથે, સરકારને મફત વીજળી અને લોન માફી જેવી યોજનાઓ લાગુ કરવા માટે પૈસાની જરૂર છે. રાજ્યનું દેવું 8 લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે, તેથી રાજ્ય સરકારે આવક વધારવાની જરૂર પડી છે.
આ પણ વાંચો : મઢ-માર્વે રોડ પહોળો કરવા આડે 529 બાંધકામનો અવરોધ
રાજ્ય રાજ્ય મહેસૂલી આવક માટે જીએસટી ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ પર વેટ, સ્ટેમ્પ ડ્યુટી અને વેહિકલ ટેક્સ પર આધાર રાખે છે. રાજ્ય સરકાર હવે આવક વધારવા માટે દારૂના વિકલ્પનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.