ભારતની અણનમ વિકાસગાથામાં મહારાષ્ટ્ર અગ્રણી: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે રાજ્યને દેશની અણનમ વિકાસગાથામાં એક અગ્રણી સહભાગી ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તે તેના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નક્કર પગલાં લઈ રહ્યું છે.
79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્યના સચિવાલય, મંત્રાલયમાં ત્રિરંગો ફરકાવ્યા બાદ પોતાના સંબોધનમાં, ફડણવીસે સ્વતંત્રતા સેનાનીઓ, સ્વતંત્રતા ચળવળના શહીદો અને દેશની સરહદોની રક્ષા કરતા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આપણા સુરક્ષા દળોએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં આતંકવાદી અને લશ્કરી સ્થળોનો નાશ કરીને દેશનું પરાક્રમ દુનિયાને બતાવ્યું હતું. દુનિયાને ખબર પડી કે નવું ભારત શું છે, એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં પાંચ જ્યોતિર્લિંગ માટે વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કરશે વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારત પ્રગતિ કરી રહ્યું છે અને 11મા સ્થાનથી ઉપર ઊઠીને વિશ્ર્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે, એમ તેમણે કહ્યું હતું. ‘ભારતના વિકાસને કોઈ રોકી શકતું નથી. તેણે હવે અવકાશમાં પણ પગ મૂક્યો છે,’ એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે મહારાષ્ટ્ર દેશની અણનમ વિકાસગાથામાં એક અગ્રણી સહભાગી છે.
ફડણવીસે કહ્યું કે ‘આત્મનિર્ભર ભારત’ સૂત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને લોકોએ તેને સફળ બનાવવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. ‘સ્વદેશી’નો ઉપયોગ પણ મહત્વપૂર્ણ છે. મહારાષ્ટ્ર વિકસિત ભારત માટે સારું યોગદાન આપી રહ્યું છે. દેશમાં આવતા કુલ એફડીઆઈ (વિદેશી પ્રત્યક્ષ રોકાણ)માંથી 40 ટકા મહારાષ્ટ્રમાં આવે છે,’ એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: આનંદો મુંબઈના વિકાસ આડેનો અવરોધ દૂર થયો
મહારાષ્ટ્રે ઉત્પાદન, નિકાસ અને સ્ટાર્ટ-અપ્સમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજ્ય શિક્ષણ અને માનવ સંસાધનોના વિકાસ માટે વ્યાપકપણે કામ કરી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું. ‘પાંચ વર્ષથી, રાજ્ય ખેડૂતોને મફત વીજળી પૂરી પાડી રહ્યું છે. રાજ્ય સૌર અને ગ્રીન એનર્જી વિકસાવવા માટે સારું કામ કરી રહ્યું છે,’ એમ પણ તેમણે કહ્યું હતું.
ફડણવીસે કહ્યું કે તેમની સરકાર કૃષિમાં એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) વિકસાવી રહી છે અને ગઢચિરોલી જિલ્લાને નક્સલમુક્ત બનાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આગળ વધી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગામી દાયકામાં ગઢચિરોલી દેશનું નવું સ્ટીલ હબ બનશે.
ફડણવીસે જણાવ્યું હતું કે તેમની સરકારે નવા એરપોર્ટ અને બંદરોના નિર્માણ તેમજ હાલના એરપોર્ટને અપગ્રેડ કરવા સહિત માળખાકીય વિકાસને પ્રાથમિકતા આપી છે. આજે વહેલી સવારે, ફડણવીસે તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ અને બાદમાં દક્ષિણ મુંબઈમાં બોમ્બે હાઈકોર્ટ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.