આમચી મુંબઈ

મહારાષ્ટ્રની સરકારના વધુ એક પ્રધાન જમીન ખરીદી વિવાદમાં ફસાયા…

પરિવહન ખાતાના પ્રધાન પર 200 કરોડની જમીન 3 કરોડમાં ખરીદવાનો ગંભીર આરોપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રની મહાયુતિ સરકારની સમસ્યાઓનો કોઈ અંત જોવા મળતો નથી. હજી તો નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર દ્વારા જમીન ખરીદી કૌભાંડના સમાચારની શાહી સુકાઈ નથી, ત્યાં રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન પર જમીન ખરીદી કૌભાંડનો આરોપ થયો છે. 200 કરોડના મુલ્યની જમીન ત્રણ કરોડની નજીવી કિંમતે ખરીદી કરવાનો આરોપ તેમના પર લાગ્યો છે.

કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે શનિવારે એવો આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્રના પ્રધાન પ્રતાપ સરનાઈકે તેમની શૈક્ષણિક સંસ્થા માટે મીરા ભાઈંદરમાં લગભગ 200 કરોડ રૂપિયાના મુલ્યની ચાર એકર જમીન ફક્ત ત્રણ કરોડ રૂપિયામાં ખરીદી હતી, આ આરોપને સરનાઈકે નકારી કાઢ્યા હતા અને દાવા માટે દસ્તાવેજી પુરાવા માગ્યા હતા.

પત્રકારોને સંબોધતા કોંગ્રેસના નેતાએ એવો દાવો કર્યો હતો કે રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈકે મુંબઈ નજીક મીરા-ભાઈંદરમાં લગભગ 200 કરોડની ચાર એકર જમીન માત્ર ત્રણ કરોડમાં શૈક્ષણિક સંસ્થા સ્થાપવા માટે ખરીદી હતી.

‘શું કોઈ પ્રધાન પોતાની શૈક્ષણિક સંસ્થા માટે આવી રીતે જમીન ખરીદી શકે છે? જો આ માન્ય હોય, તો આવું આખા મહારાષ્ટ્રમાં થવા દો. અમે લાચારીથી આંખો બંધ કરી દઈશું. આમના શાસનમાં આ હાલની પરિસ્થિતિ છે,’ એવા શબ્દોમાં તેમણે રાજ્યની મહાયુતિ સરકારની ટીકા કરી હતી.

મારા નામે બોલાતી જમીન ક્યાં છે તે જોવા આવ્યો છું: સરનાઈક

જોકે, સરનાઈકે વડેટ્ટીવારના દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે પ્રધાનોએ વારંવાર આવા આરોપોનો સામનો કરવાનો વારો આવતો હોય છે. ‘વડેટ્ટીવાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. હું અપેક્ષા રાખું છું કે તેઓ મારા વિરુદ્ધના તેમના આરોપોને સમર્થન આપતા દસ્તાવેજો રજૂ કરશે.

હું એ પણ જોવા માટે આવ્યો છું કે મારા નામે જે જમીનનો ઉલ્લેખ થઈ રહ્યો છે તે ક્યાં આવેલી છે અને તે મારી સાથે કેવી રીતે જોડાયેલી છે? એ સાચું છે કે પ્રધાન તરીકે અમને વારંવાર આરોપોનો સામનો કરવો પડે છે,’ એમ તેમણે પત્રકારોને જણાવ્યું હતું.

કોઈ ફરિયાદ મળી નથી: બાવનકુળે

મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે તેમણે ફક્ત આરોપ વિશે સાંભળ્યું હતું, પરંતુ કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી. ‘આ લોકો ફરિયાદ નોંધાવવા કરતાં મીડિયાના માધ્યમથી આરોપો કરવામાં વધુ સમય વિતાવે છે. જો ફરિયાદ દાખલ થાય, તો અમે તપાસનો આદેશ આપી શકીએ છીએ. તાજેતરના પુણે જમીન કેસ પર નજર નાખો. જ્યારે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો, ત્યારે રાજ્ય સરકારે એક સમિતિની રચના કરી અને તપાસ શરૂ કરી હતી,’ એમ તેમણે કહ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button