આમચી મુંબઈ

‘લાડકી બહેન’ યોજનાના નામે મતોનો ખેલ? કોંગ્રેસે ચૂંટણી પંચમાં કરી ‘સરકારી લાંચ’ની ફરિયાદ!

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓ પહેલા ‘લાડકી બહેન’ યોજનાના નાણાંની વહેંચણીને લઈને રાજકીય વિવાદ છેડાયો છે. મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખીને આક્ષેપ કર્યો છે કે, સરકાર ચૂંટણીના ટાણે જ લાભાર્થીઓના ખાતામાં નાણાં જમા કરાવીને મહિલા મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસે આ પ્રક્રિયાને આદર્શ આચારસંહિતાનો ભંગ ગણાવી તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી છે.

કોંગ્રેસે ગણાવી સામૂહિક સરકારી લાંચ

કોંગ્રેસના જનરલ સેક્રેટરી એડવોકેટ સંદેશ કોંડવિલકરે ચૂંટણી પંચને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર ડિસેમ્બર ૨૦૨૫ અને જાન્યુઆરી ૨૦૨૬ એમ બે મહિનાના કુલ રુ. ૩૦૦૦ એકસાથે ચૂકવવાનું આયોજન કરી રહી છે. ખાસ કરીને મતદાનના આગલા દિવસે જ આ રકમ જમા કરાવવાથી ૧ કરોડથી વધુ મહિલા મતદારોને શાસક પક્ષ તરફ પ્રભાવિત કરી શકે છે. કોંગ્રેસે આ પગલાંને એક પ્રકારની ‘સામૂહિક સરકારી લાંચ’ ગણાવી છે.

પત્રમાં વધુમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોંગ્રેસ પક્ષ ‘લાડકી બહેન’ યોજનાનો વિરોધ નથી કરી રહ્યો, પરંતુ જે રીતે ચૂંટણીના સમયે નાણાંની વહેંચણી થઈ રહી છે તે અયોગ્ય છે. કોંગ્રેસે વિનંતી કરી છે કે જ્યાં સુધી મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ રકમનું વિતરણ અટકાવી દેવામાં આવે અને ચૂંટણી પંચ આ બાબતે સરકારને કડક નિર્દેશ આપે.

શુ કહેવુ છે શાસક પક્ષનું

જો કે મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ કોંગ્રેસના વાંધાઓને રાજકીય તકવાદ ગણાવીને ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચારમાં મહિલા લાભાર્થીઓને મોહરા બનાવી શકાય નહીં, કારણ કે “લાડકી બહેન” યોજના મ્યુનિસિપલ ચૂંટણીઓની જાહેરાત પહેલાં શરૂ કરવામાં આવી હતી અને તેનો તેમની સાથે કોઈ લેવાદેવા નથી.

હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચ કોંગ્રેસની આ રજૂઆત પર શું પગલાં લે છે. આ વિવાદને કારણે મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ બન્યું છે, જેની સીધી અસર આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો પર પડી શકે છે.

આ પણ વાંચો…લાડકી બહેન યોજનામાં કરોડોનું કૌભાંડ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button