બારમાની આ વિદ્યાર્થીનીએ મેળવ્યા 100 ટકા માર્ક્સ! 600માંથી 600 મેળવનારી એકમાત્ર વિદ્યાર્થીની બની મહારાષ્ટ્રની આ છોકરી…
મુંબઈ: મંગળવારે મહારાષ્ટ્ર બૉર્ડ દ્વારા બારમા ધોરણની પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું તેમાં છત્રપતિ સંભાજીનગરની એક વિદ્યાર્થીનીએ 100 ટકા મેળવીને કમાલ કરી હતી. તનીષા બોરમણીકર નામની વિદ્યાર્થીનીએ બારમા ધોરણની મહારાષ્ટ્ર બૉર્ડની પરિક્ષામાં 600માંથી 600 માકર્સ મેળવ્યા હતા. આ વર્ષે 600માંથી 600 માકર્સ મેળવનારી તનીષા એકમાત્ર વિદ્યાર્થીની બની હતી.
તનીષા કોમર્સની વિદ્યાર્થીની છે અને તેણે કોમર્સ, સાયન્સ અને આટર્સ આ ત્રણેય શાખાઓમાં સૌથી વધુ માકર્સ મેળવ્યા હોવાનું બૉર્ડના અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મંગળવારે મહારાષ્ટ્ર સ્ટેટ બૉર્ડ ફોર સેક્ધડરી ઍન્ડ હાયર સેક્ધડરી એજ્યુકેશન(એચએસસી) દ્વારા બારમા ધોરણના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં 93.37 ટકા વિદ્યાર્થીઓએ પરિક્ષા પાસ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
તનીષાએ તમામ લેખિત પરિક્ષાઓમાં કુલ 582 માકર્સ મેળવ્યા હતા જ્યારે બાકીના 18 માર્ક તેને ચેસમાં વિજેતા થવા બદલ સ્પોટર્સ ક્વોટામાંથી આપવામાં આવ્યા હતા. જેને પગલે તેના કુલ માકર્સ 600માંથી 600 થઇ ગયા હતા.
તનીષાએ પોતાનો હરખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા અમુક ધ્યેય છે અને મેં સાચા ધ્યેયને પ્રાધાન્ય આપ્યું હતું, જેના કારણે હું સફળ થઇ. પરિક્ષાના 45 દિવસ પહેલા મેં ખૂબ જ મહેનત કરી હતી.
તનીષાના માતા પોતે સીએ(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) છે અને તનીષાએ પણ અત્યારથી જ સીએના ફાઉન્ડેશન કોર્સના ક્લાસિસ શરૂ કરી દીધા છે. તેણે આખું વર્ષ અભ્યાસ કરવા ઉપરાંત ચેસ ટુર્નામેન્ટમાં પણ ખૂબ ધ્યાન આપ્યું હતું. જ્યારે પણ ચેસ ટુર્નામેન્ટ હોય ત્યારે ટુર્નામેન્ટના 30 દિવસ પહેલા તૈયારી શરૂ કરી દેતી હોવાનું તનીષાએ જણાવ્યું હતું. જોકે, પરિક્ષાના 45 દિવસ પહેલા તૈયારી શરૂ કરી ત્યારે ફક્ત અભ્યાસ પર જ ધ્યાન આપતી હોવાનું તનીષાએ જણાવ્યું હતું.