મરાઠીઓને હાઉસિંગ સોસાયટીઓમાં ઈનકાર: નવાં ધોરણો બનાવાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠી માણસોને ઘર ફાળવવામાં અથવા વેચાણ કરવામાં અવગણવામાં આવવાની ફરિયાદ વધી રહી હોવાથી મહારાષ્ટ્ર સરકારે હવે આકરાં પગલાં લેવાનો નિર્ણય લીધો છે. જો કોઈ બિલ્ડરે મરાઠી માણસને ઘર આપવાનો ઈનકાર કર્યો તો તેની વિરોધમાં સખત કાર્યવાહી કરવામાં આવશે એવી જાહેરાત રાજ્યના પ્રધાન શંભુરાજ દેસાઈએ કરી હતી.
વિધાન પરિષદમાં મિલિંદ નાર્વેકરે નવી બિલ્ડિંગમાં મરાઠી માણસને ઘર ખરીદીમાં આરક્ષણ આપવા સંદર્ભમાં સવાલ કર્યો હતો તેના પર જવાબ આપતા શંભુરાજ દેસાઈએ કહ્યું હતું મુંબઈમાં કોઈ પણ મરાઠી માણસને ઘર નકારવાનો અધિકાર નથી. જો કોઈ એવી ફરિયાદ આવી તો તેની સામે કડક પગલા લેવામાં આવશે. મુંબઈમાં સૌથી પહેલો હક મરાઠી માણસનો છે અને ઘર ખરીદવામાં તેમને પ્રાધાન્ય મળે તે માટે બહુ જલદી ધોરણ નક્કી કરવામાં આવશે.
આ સંદર્ભમાં મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન સાથે ચર્ચા બાદ આગામી દિવસોમાં ધોરણ નક્કી કરવામાં આવશે એવું શંભુરાજ દેસાઈએ વિધાનપરિષદમાં કહ્યું હતું.