મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર જૂથ ધ્વજ ફરકાવશે, શિવસેનાનું નામ નહીં, એકનાથ શિંદેને આંચકો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેશના 79મા સ્વતંત્રતા દિને રાજ્યની મહાયુતિમાં સત્તા સંઘર્ષ હોવાનું જોવા મળ્યું હતું. સોમવારે જારી કરાયેલા આદેશ મુજબ, એનસીપીના અદિતિ તટકરે રાયગઢ જિલ્લામાં અને ભાજપના ગિરીશ મહાજન નાશિકમાં ધ્વજ ફરકાવશે.
આ બાબત શિંદે સેના માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે પાલક પ્રધાનપદ માટે ચાલી રહેલા સંઘર્ષમાં શિંદે જૂથને અપેક્ષિત સફળતા મળી નથી. મહાયુતિમાં પાલક પ્રધાનપદ માટે શીતયુદ્ધ ફરી એકવાર સામે આવ્યું છે. રાયગઢનું પાલક પ્રધાનપદ મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા શિંદે જૂથના પ્રધાન ભરત ગોગાવલેને સ્વતંત્રતા દિવસે ધ્વજ ફરકાવવાની તક મળી નથી.

આના કારણે શિંદે જૂથના વિધાનસભ્યોમાં ભારે નારાજગી ફેલાઈ છે. શિંદેએ તાજેતરમાં દિલ્હીની મુલાકાત દ્વારા રાજકીય દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મુખ્ય પ્રધાનના નેતૃત્વ હેઠળના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલી ધ્વજ ફરકાવવાની યાદીએ શિંદે જૂથને મોટો ફટકો આપ્યો છે.
સામાન્ય રીતે મુખ્ય પ્રધાન રાજધાનીમાં ધ્વજ ફરકાવતા હોય છે અને રાજ્યના પાલક પ્રધાનો જે-તે જિલ્લાના મુખ્યાલયમાં ધ્વજ ફરકાવતા હોય છે. રાજકીય નેતાઓ માટે આ મોટું સન્માનનું કામ હોય છે. ધ્વજ ફરકાવવાના કાર્યક્રમમાં ભાજપ, શિંદે સેના અને અજિત પવાર જૂથના એક-એક કેબિનેટ પ્રધાનને કોઈપણ જિલ્લાનો ધ્વજ ફરકાવવાની તક મળી ન હતી.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, ભાજપના કેબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢા, અજિત પવાર જૂથના બાબાસાહેબ પાટીલ અને શિંદે જૂથના ભરત ગોગાવલેના નામ યાદીમાં નથી. આ સાથે, મહાયુતિમાં સામેલ ત્રણેય પક્ષોમાંથી એક-એક રાજ્યકક્ષાના પ્રધાનને પણ આ તક મળી નથી.
તેમાં ભાજપના માધુરી મિસાળ, શિંદે જૂથના યોગેશ કદમ અને અજિત પવાર જૂથના ઇન્દ્રનીલ નાઈકનો સમાવેશ થાય છે. આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ભાતભાતની ચર્ચા ચાલી રહી છે.
યાદી મુજબ, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મુંબઈમાં મંત્રાલય ખાતે ધ્વજવંદન કરશે, જ્યારે રાજ્યપાલ પુણેમાં હાજર રહેશે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને તેમના થાણે જિલ્લામાં ધ્વજવંદન કરવાની તક મળી છે, જ્યારે અજિત પવાર બીડમાં ત્રિરંગો ફરકાવશે.
આ પણ વાંચો…ઉદ્ધવ ઠાકરેએ જનાદેશ ચોરી લીધો, તેથી લોકોએ ઘરે બેસાડ્યા: દેવેન્દ્ર ફડણવીસનો ઉદ્ધવને જવાબ