આમચી મુંબઈ
‘ઓળખ’ છુપાવનારા સરકારી કર્મચારીઓને ફટકો: ગંભીર કાર્યવાહી કરવાની ચેતવણી
મહારાષ્ટ્રમાં સરકારી કર્મચારીઓ માટે નવા નિયમો: સરકારી કચેરીઓમાં આવતા નાગરિકોને યોગ્ય અધિકારી/કર્મચારીને ઓળખવાનું સરળ બનશે

વિપુલ વૈદ્ય
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે સરકારી કામમાં શિસ્ત અને પારદર્શિકતા લાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ ઓફિસમાં ફરજિયાતપણે સ્પષ્ટ રીતે દેખાતા ઓળખપત્ર પહેરવા પડશે. સરકારે એવું સ્પષ્ટ કર્યું છે કે આ નિયમનું પાલન ન કરનારાઓ સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. આને પરિણામે, સરકારી કચેરીઓમાં આવતા નાગરિકોને યોગ્ય વ્યક્તિને ઓળખવાનું સરળ બનશે.
કર્મચારીઓ નિયમોની અવગણના કરે છે
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે બુધવારે જારી કરેલા સરકારી આદેશમાં આ નિયમોની માહિતી આપી છે. આ અંગે અગાઉ પણ સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ સરકારના ધ્યાનમાં આવ્યું હતું કે તેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવતું નથી. તેથી જ આ સૂચનાઓ ફરી એકવાર જારી કરવામાં આવી છે.
આપણ વાંચો: અમદાવાદ સિવિલમાં અઢી હજારથી વધુ કર્મચારીઓ આઉટસોર્સિંગ પર! કરોડોનો ખર્ચ એજન્સીઓને?
આદેશમાં શું કહેવામાં આવ્યું છે?
- રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ ઓફિસમાં પ્રવેશ કરતી વખતે અને ઓફિસમાં કામ કરતી વખતે તેમના ઓળખપત્રો સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવી જગ્યાએ એટલે કે એવી રીતે પ્રદર્શિત કરવા ફરજિયાત છે.
- જે સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ આ નિયમોનું પાલન નહીં કરે તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.
આ આદેશનો અમલ કરવા માટે સંબંધિત ખાતા પ્રમુખોને પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ માટેની જવાબદારી સંબંધિત ઓફિસના વડાઓ અને વિભાગના વડાઓને સોંપવામાં આવી છે.
આ નિર્ણયથી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. ઘણીવાર, સરકારી ઓફિસમાં ગયા પછી, કયા અધિકારી પાસે જવું તેની માહિતી મળતી નથી. ઉપરાંત, ક્યા કર્મચારીઓ કોણ છે તે ઓળખવું મુશ્કેલ બની જાય છે.
ઘણી વખત કર્મચારીઓ જાણી જોઈને કામથી બચવા માટે ઓળખ છુપાવતા હોય છે અને નાગરિકોને ટેબલ-ટેબલ રખડાવતા હોય છે. હવે ઓળખપત્ર પહેરીને ફરજિયાત બેસવું પડવાનું હોવાથી નાગરિકો સંબંધિત વ્યક્તિને સીધા ઓળખીને તેમનો સંપર્ક કરી શકશે. આનાથી કામ ઝડપી બનશે અને અનિયમિતતાઓ પર કાબુ મેળવશે.