રાજ્યના ૧.૫ લાખ ગોવિંદાઓને મળશે વિમા સંરક્ષણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં દહીહાંડીનો તહેવાર ભારે ધૂમધામ પૂર્વક ઊજવવામાં આવે છે. મુંબઈ સહિત રાજ્યના હજારો યુવક-યુવતીઓ ‘ગોવિંદા’ તરીકે થર પર થર રચીને હાંડી ફોડતા હોય છે.
છેલ્લા અનેક વર્ષોથી હાંડી ફોડવા માટે થર લગાવવાની પ્રેકટીસ દરમ્યાન અને તહેવાર દરમ્યાન થર લગાવતા સમયે ગોવિંદાઓના પડી જવાના અને જખમી થવાનું પ્રમાણ વધી ગયું છે.
ગોવિંદાઓની સુરક્ષા અને તેમના આરોગ્યની દૃષ્ટિે વિમા સંરક્ષણ મળે તે માટે લાંબા સમયથી રાજ્ય સરકાર પાસે માગણી કરવામાં આવી રહી હતી. આ માગણીને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને રાજ્યના ૧.૫૦ ગોવિંદાઓને ‘ગોવિંદા સમન્વય સમિતિ (મહારાષ્ટ્ર)’ આ આયોજન સમિતિના માધ્યમથી ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ કંપનીનું વિમા સંરક્ષણ આપવામાં આવવાનું છે.
રાજ્ય નાયબ મુખ્ય પ્રધાને ગોવિંદાઓ માટે આવશ્યક વીમાની રકમ તાત્કાલિક ધોરણે મંજૂર કરી હતી. ગયા વર્ષે ૧.૨૫ લાખ ગોવિંદાઓને વીમા સંરક્ષણ આપવામાં આવ્યું હતું અને આ વર્ષે આ આંકડો ૧.૫૦ લાખ સુધી પહોંચી ગયો છે.