આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના ગવર્નર કહે છે કે લાડકી બહેન યોજના ચાલુ રહેશે

મુંબઈ: રાજ્ય સરકારની મુખ્ય ‘મુખ્ય મંત્રી-માઝી લાડકી બહીણ યોજના’ ચાલુ રહેશે, એમ રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને મહારાષ્ટ્રની નવી ચૂંટાયેલી વિધાનસભાને તેમના સંબોધનમાં જણાવ્યું હતું.

મારી સરકાર રાજ્યમાં 21થી 65 વર્ષની વયજૂથની મહિલાઓના સશક્તીકરણ માટે ‘મુખ્ય મંત્રી માઝી લાડકી બહીણ યોજના’ લાગુ કરી રહી છે. આ યોજના હેઠળ 2.34 કરોડથી વધુ લાભાર્થી મહિલાઓને દર મહિને 1,500 રૂપિયાની રકમ આપવામાં આવી રહી છે અને જુલાઈથી નવેમ્બર 2024 સુધીના પાંચ માસિક હપ્તા ચૂકવવામાં આવ્યા છે. આ યોજના આગળ પણ ચાલુ રહેશે, એમ રાધાકૃષ્ણને કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, સરકાર રાજ્યના લોકોની સેવામાં સમાજ સુધારકો રાજમાતા જીજાઉ, છત્રપતિ શિવાજી મહારાજ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, ભગવાન બિરસા મુંડા, મહાત્મા જ્યોતિબા ફૂલે, ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે, પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર, રાજર્ષિ છત્રપતિ શાહુ મહારાજ અને અન્ય ઘણા મહાન નેતાઓના ઉચ્ચ આદર્શોને અનુસરવાનું ચાલુ રાખશે.

રાજ્યપાલે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં મરાઠી ભાષાને અભિજાત ભાષાનો દરજ્જો આપ્યો છે. આનાથી 450 યુનિવર્સિટીઓમાં મરાઠી ભાષાના અભ્યાસ માટે વિશેષ કેન્દ્રોની સ્થાપના કરવામાં મદદ મળશે. મરાઠી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર સરકાર પાસેથી વધુ ભંડોળ ઉપલબ્ધ થશે, એમ તેમણે કહ્યું હતું.

તેમના મતે વર્ષ 2023-24માં મહારાષ્ટ્ર રૂ. 1,25,101 કરોડના રોકાણ સાથે સીધા વિદેશી રોકાણમાં દેશમાં ટોચ પર હતું. 2024-25ના એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના પ્રથમ બે ત્રિમાસિક ગાળામાં 1,13,236 કરોડ રૂપિયાના વિદેશી સીધા રોકાણ સાથે મહારાષ્ટ્ર ફરીથી દેશમાં ટોચ પર છે, જે ગયા વર્ષના કુલ પ્રત્યક્ષ વિદેશી રોકાણના 90 ટકા કરતાં વધુ છે.

રાધાકૃષ્ણને માહિતી આપી હતી કે સરકારે રાજ્યમાં ખરીફ સિઝન 2023 માટે કપાસ અને સોયાબીનના ખેડૂતોને નાણાકીય સહાય આપી છે. તદ્નુસાર, રૂ. 67 લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 2,500 કરોડ જમા કરવામાં આવ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.

નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના હેઠળ, સરકારે વર્ષ 2023-2024 અને 2024માં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના’ હેઠળ પાત્રતા ધરાવતા 91 લાખથી વધુ ખેડૂતોના પરિવારોના ખાતામાં 2025 નવેમ્બર 2024 સુધી 8,892 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.

સરકારી નોકરી ઇચ્છુકો માટે એક સારા સમાચાર આપતાં મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રોજગારની તકો વધારવા માટે 1.53 લાખ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. મુંબઈમાં રાજ્ય વિધાનસભાના સંયુક્ત સત્રને સંબોધતા રાજ્યપાલ રાધાકૃષ્ણને કહ્યું કે અત્યાર સુધીમાં 78,309 જગ્યાઓ ભરવામાં આવી છે.
રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પંચાયતો (અનુસૂચિત ક્ષેત્રોમાં વિસ્તરણ) અધિનિયમ હેઠળ 17 કેડરમાં 6,931 ખાલી જગ્યાઓ માનદ વેતનના ધોરણે ભરવાની પ્રક્રિયા શરૂ કરી છે, જે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આધિન રહેશે.
મુંબઈમાં રાજ્ય વિધાનસભાના સંયુક્ત સત્રને સંબોધતા રાજ્યપાલે કહ્યું કે દેશના જીડીપીમાં મહારાષ્ટ્ર 14 ટકાથી વધુ યોગદાન આપે છે.

રાજ્ય એફડીઆઈ માટે પસંદગીનું સ્થળ છે, એમ તેમણે ઉમેર્યું હતું. 2023-24માં, મહારાષ્ટ્ર રૂ. 1,25,101 કરોડના રોકાણ સાથે એફડીઆઈમાં દેશમાં ટોચ પર હતું અને વર્ષ 2024-25ના એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના પ્રથમ બે ત્રિમાસિક ગાળામાં રૂ. 1,13,236 કરોડના એફડીઆઈ સાથે ફરીથી દેશમાં ટોચ પર છે, જે ગયા વર્ષના કુલ એફડીઆઈના 90 ટકા કરતાં વધુ છે, એમ તેમણે જણાવ્યું હતું.

સરકારે વર્ષ 2027-28 સુધીમાં એક ટ્રિલ્યન ડોલરનું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય હાંસલ કરવા માટે મહારાષ્ટ્રને દેશનું પ્રથમ રાજ્ય બનાવવાનું ખૂબ જ મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

રાજ્ય સરકારે મેગા પ્રોજેક્ટ્સ અને સેમિક્ધડક્ટર્સ, ઇલેક્ટ્રિક વાહનો, એરોસ્પેસ અને સંરક્ષણ, રસાયણો અને પોલિમર, લિથિયમ આયન બેટરી, સ્ટીલ અને અન્ય ઉત્પાદનો જેવા હાઇ-ટેક ઉત્પાદન ક્ષેત્રને એન્કર ઉદ્યોગનો દરજ્જો આપવાની નીતિ જાહેર કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.

આ નીતિ હેઠળ છેલ્લા આઠ મહિનામાં મંજૂર થયેલા પ્રોજેક્ટ્સ કુલ 3.29 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષશે અને 1,18,000 વ્યક્તિઓ માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરશે, એમ તેમણે જણાવ્યું હતું.

રાજ્ય સરકારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સપોર્ટેડ સર્વિસ પોલિસી, 2023 અને ગ્રીન ડેટા સેન્ટર પોલિસી પણ જાહેર કરી છે, આ પોલિસીનો હેતુ મુંબઈને ડેટા સેન્ટર કેપિટલ બનાવવાનો છે. આ નીતિના ભાગરૂપે, મુંબઈ અને નવી મુંબઈ વિસ્તારોમાં ગ્રીન ઈન્ટિગ્રેટેડ ડેટા સેન્ટર પાર્કની સ્થાપના કરવામાં આવશે, જેમાં આશરે રૂ. એક લાખ કરોડનું રોકાણ થશે અને 20,000 નોકરીઓનું સર્જન થશે, એમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો…લાડકી બહેન યોજનાની અરજીઓની પુન: ચકાસણી કરવાનો નિર્ણય નહીં: અદિતી તટકરે…

તેમણે એવી માહિતી આપી હતી કે રાજ્યમાં મુખ્ય પ્રધાન યુવા કાર્ય પ્રશિક્ષણ યોજના હેઠળ 1,19,700 તાલીમાર્થીઓ જોડાયા છે અને આનાથી રાજ્યના ઉદ્યોગોને કાર્યકુશળ કર્મચારીઓ ઉપલબ્ધ થઈ રહ્યા છે અને યુવાનોની કાર્યકુશળતામાં વધારો થઈ રહ્યો છે. 1000 આચાર્ય ચાણક્ય સ્કિલ ડેવલપમેન્ટ કેન્દ્રો કોલેજોમાં શરૂ કરવામાં આવ્યા છે અને તેમાં 1.50 લાખ યુવાનોને વર્ષે તાલીમ આપવામાં આવશે.

મહિલાઓ માટે પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર સ્ટાર્ટઅપ યોજનામાં મહિલાઓને 25 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે.

મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુસત્ર 16 ડિસેમ્બરથી
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુસત્ર નાગપુરમાં 16 ડિસેમ્બરથી આયોજિત કરવામાં આવ્યું છે.
રાજ્ય વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે સોમવારે વિધાનસભાના ત્રણ દિવસના વિશેષ સત્રના સમાપન પ્રસંગે ઉપરોક્ત જાહેરાત કરી હતી. શિયાળુ સત્રનું સમાપન 21 ડિસેમ્બરે થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે, જોકે આ અંગેનો અંતિમ નિર્ણય 18 ડિસેમ્બરે મળનારી બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠકમાં લેવામાં આવશે, એમ વિધાનસભાના ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button